મોરબી એલસીબીએ દારૂના ગોડાઉન જેવા રહેણાંકમાં દરોડો પાડ્યો, કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
મોરબી : માળીયા મિયાણા શહેરના વાગડીયા ઝપા નજીક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી દારૂ-બીયરની 3936 બોટલ કિંમત રૂપિયા 8,95,440નો જથ્થો તેમજ કાર સહિત કુલ 13 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણાના વાગડીયા ઝાંપા વિસ્તારમાં રહેતા આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામે તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે રેઇડ કરતા રહેણાંકમાંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની 96 બોટલ, 8પીએમ સ્પેશ્યલ રેર વ્હીસ્કીની 1500 બોટલ, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની 24 બોટલ, વાઇટ લેસ ઓરેંજ વોડકાની 648 બોટલ, ગ્લોબસ સ્પીરીટ ડ્રાયજીનની 60 બોટલ, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીના ચપલા નંગ 240, ડ્રાયજીનના ચપલા 192, કીંગફીશર બીયરના 48 ડબલા, ગોડફાધર સ્ટ્રોંગ બીયરના 1128 ડબલા તેમજ એસ્પ્રેસો કાર કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 13,95,940નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા, તથા કોન્સટેબલ દશરથસિંહ પરમાર અને એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.