રિકવરી રેટ 99%ની નજીક પહોંચ્યો: 33માંથી 17 જિલ્લામાં સંક્રમણ અટક્યું, ડાંગમાં શૂન્ય કોરોના કેસ!
રાજ્યમાં 10 દર્દી વેન્ટિલેટર પર 10 જિલ્લામાં 20 દિવસથી અને 25માં 10 દિવસથી એકપણ મોત નોંધાયું નહીં
રાજકોટ નજીકના 5 જેટલાં ગામમાં 90 થી 95% વેક્સિનેશન થવા પામ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના 33માંથી 17 જિલ્લામાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે, જેમાંથી 8 જિલ્લામાં 5થી ઓછા, 9માં 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા. રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ કેસ 2467માથી 1849 કેસ, એટલે કે 74.94% સાત મહાનગરપાલિકામાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતિમાંથી 2.08 કરોડ, એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે.
એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે કે જો 70% વસતિને પહેલો ડોઝ મળી જાય તો ત્રીજી લહેરની ભયાનકતા 90% સુધી ઓછી થઈ જશે. 5 જેટલા એવાં ગામો છે, જ્યાં 90%થી લઈ 95% જેટલી વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે કે 13 ગામડાં એવાં છે, જ્યાં વેક્સિનની કામગીરી 80%થી લઈ 85% સુધી પહોંચી છે. તો બીજી તરફ 20 ગામડાં એવાં છે, જ્યાં વેક્સિનની કામગીરી 70%થી લઇ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાંમાં વેક્સિનની કામગીરી 100% સુધી પહોંચે એ માટે જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે.


