સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ : મૃતક વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો પરંતુ પરિવારને વિવેકનું જ ડેથ સર્ટિફિકેટ મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
વ્હાલસોયાના અકાળે અવસાનથી અજાણ મૃતક વિવેકની માતાને સમાચાર મળતાની સાથે જ હતપ્રભ બની ગયા હતા અને પોતે પણ મરી જવા માટે વ્યાકુળ નજરે પડ્યા હતા. કાળજુ કંપાવી દે તેવા દ્રશ્ય મૃતકના પરિવારના સદસ્યો ના જોવા મળ્યા હતા. મૃતક વિવેકની નાની બેન કાળો કલ્પાંત કરી રહી હતી ” મારો વીરો મને છોડીને ચાલ્યો ગયો…” મોડી રાત્રીના બંને મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ તકે મૃતકના પરિવારજનોએ પણ આ અગ્નિકાંડના જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરી છે.
રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન માં શનિવારે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડમાં 28 જિંદગીઓ જીવતી ભુંજાઈ ગઈ હતી અને આ હતભાગીઓમાં વેરાવળના ધોબી યુવક વિવેક અશોકભાઈ દુશારા અને તેના પત્ની ખુશાલી વિવેક દુશારા નો પણ સમાવેશ હતો. આજે ચાર દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બંને પતિ-પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા મોડી રાત્રીના મૃતદેહો વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા.
આ ઘટનાની કરુણતા તો એવી છે કે મૃતક વિવેકના હજુ બે માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં હજુ પા…પા પગલી માંડતા આ નવયુગલ અકાળે અવસાન સાથે કાળનો કોળિયો બની ગયા હતા.
મૃતક વિવેકના પરિવારમાં માતા-પિતા અને નાની બેન છે જે આજે કાળો કલ્પાંત કરી રહ્યા છે.
મોડી રાત્રીના 11:00 વાગ્યા આસપાસ બંનેના મૃતદેહો વેરાવળ ખાતે તેમના નિવાસ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં હિન્દુ શાસ્ત્ર મુજબ વિધિ કર્યા બાદ ત્રિવેણી સંગમ ખાતે બંનેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
મૃતક વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો પરંતુ પરિવાર ને વિવેક નું જ ડેથ સર્ટિફિકેટ મળ્યું…
મૃતક વિવેક ના 2 માસ પૂર્વે જ રાજકોટ ની ખુશાલી મોડાસીયા સાથે લગ્ન થયા હતા અને હાલ ખુશાલી પોતાના પિયર રાજકોટ ગઈ હતી જેથી તેને તેડવા અને મેરેજ સર્ટિફિકેટ કઢાવવા વિવેક રાજકોટ ગયો હતો અને પત્ની તથા સાળી ટીશા સાથે ગેમઝોન માં ફરવા ગયો હતો.. પરંતુ વિધિ ની વક્રતા કંઈક અલગ જ હતી… પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેક ને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવાર ને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યું…