ગુજરાતને હચમચાવી દેનાર TPR અગ્નિકાંડમાં તંત્રોને આડે હાથે લઈ ધારદાર રજૂઆત કરાઈ
ભોગ બનનાર પરિવાર પાસેથી કોઈ ચાર્જ વગર વહારે આવતું રાજકોટ બાર એસો.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
પૂરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હૃદયદ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમાં છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનું હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ ખાતેની ટી.આર.પી. અગ્નિકાંડની ઘટનામાં 28ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલા આરોપીઓ યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા, રાહુલ લલીતભાઈ રાઠોડનાઓને 14 દિવસની રીમાન્ડ રીપોર્ટ સાથે નામદાર અદાલતમાં રજુ કરવામાં આવતા સ્પેશીયલ પી.પી. તથા ભોગ બનનાર પરીવારના વકીલ બાર એસોસીએશનની રજુઆતો ધ્યાને લઈ પુરા 14 દિવસની રીમાન્ડ મંજુર કરી આરોપીઓને રીમાન્ડ ઉપર સોંપતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ. જયુડી. મેજી. બી. પી. ઠાકરે ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસીહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસીહ હરીસીહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનનું માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોંચી વળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની શતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવોના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાસી-ભાગી નીકળેલા ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.
- Advertisement -
14 મુદાની તપાસમાં આરોપીઓએ સહકાર આપેલ નથી, સ્થળ પરથી જવલંતશીલ પ્રવાહી મોટા જથ્થામાં મળેલ તે સબંધે તથા ગેમ ઝોનમાં રહેલ સ્ટાફ સંબંધે તથા ગેમ ઝોનમાં રમી રહેલ બાળકો સ્વજનો સંબંધે કોઈ સંતોષકારક જવાબ આપતાં ન હોય, નાના બાળકો કે જે સંપુર્ણ બળી ગયા છે જેના અવશેષો મેળવવા મુશ્કેલ છે ત્યારે સત્યતાના મુળ સુધી પહોંચવા અને ખરો આંક બહાર લાવવા આરોપીઓની 14 દિવસની કસ્ટડી અનિવાર્ય છે, ઘટનામાં મુખ્ય જવાબદારો જુદા જુદા તંત્રો છે. જેમા કોર્પોરેશન, પોલીસ, પી.જી.વી.સી.એલ., પુરવઠા વિગેરે દ્વારા પ્રથમથી જ સખ્તાઈથી કામગીરી હાથ ધરેલ હોત તો કદાચને આવી કરૂણ ઘટના ઘટેલ ન હોત, આવી કરૂણ ઘટના ઘટે ત્યારે જ તંત્ર સફાળા જાગી ફરી સુઈ જતાં હોય છે ત્યારે તેઓને આરોપી તરીકે ન લેવા કે ડીસ્મીસ ન કરવા તે ફરી આવી ઘટનાને આમંત્રણ આપવા બરાબર ગણી શકાય ત્યારે ન્યાયીક નિર્ણય માટે 14 દિવસની રીમાન્ડ અનિવાર્ય હોવાની લંબાણપુર્વક રજુઆતો કરવામાં આવી હતી. આ બાબતો લક્ષે લઈ આરોપીઓના આગામી તા. 10-6-2024ના સાંજના કલાક 5-00 સુધીના 14 દિવસના રીમાન્ડ પર સોંપતો હુકમ ફરમાવવામાં આવેલ છે. ઉપરોકત કામમાં ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એસોસીએશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ દ્વારા કરાયેલ દલીલમાં બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેકેટરી પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર. ડી. ઝાલા, લાઈબેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા, મહીલા અનામત રેખાબેન લીંબાસીયા તથા કારોબારી સભ્યો અજય પીપળીયા, કૌશલ વ્યાસ, પીયુષ સખીયા, અજયસીહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલ જોષી, નીકુંજ શુકલ, અમીત વેકરીયા, ભાવેશ રંગાણી રોકાયેલા હતા.