મંજુરીઓ અને દરખાસ્તો મોકલવા અંગેની પ્રોસીઝરમાં વિના વિલંબે કાર્યવાહી કરવા અને સતત ફોલોઅપ લેવા અમલીકરણ અધિકારીઓને કલેક્ટરની તાકીદ
રાજકોટના બે મહત્વના પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલ અને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરી વધુ ઝડપથી આગળ વધે તે માટે રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે રીવ્યુ બેઠક કરીને રાજ્ય સરકાર સંબંધી સ્થાનિક તંત્ર લેવલની જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે જુદી જુદી કામગીરીમાં જોડાયેલા અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

- Advertisement -
રાજકોટ નજીક હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની બીજા તબક્કાની કામગીરીમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુદાજુદા વિભાગોએ કરવાની થતી કામગીરી અને અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે આ અંગે સંકલન કરતા નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલે કલેકટરને માહિતી આપી હતી. એરપોર્ટ ઓથોરીટીના જનરલ મેનેજર લોકનાથ પાધેએ હિરાસર ખાતે થઇ રહેલી કામગીરી આકડાકીય વિગતો પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરી હતી.

આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલના નિર્માણની કામગીરીમાં અત્યાર સુધીની પ્રગતિ અને સ્થાનિક કક્ષાએ કરવાની થતી કામગીરી અંગે વિગતો જાણીને કલેકટરએ માર્ગ મકાન વિભાગ તેમજ રૂડાએ કરવાની થતી કામગીરી અંગે ઝડપી કામ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતુ. એઇમ્સ અંગેની પ્રગતિ પરની કામગીરી અંગે માહિતી આ સંકલન કરતા નાયબ કલેકટર વિરેન્દ્ર દેશાઇએ આપી હતી. આ બેઠકમાં રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, એઇમ્સના શ્યામ સુંદર મીધા, પ્રોજેકટ મેનેજર લવ ચાયલ તેમજ રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


