રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ. ડિસ્પેચીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, પાંધી લો કોલેજ બિલ્ડિંગ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાંથી રાજકોટ, કોટડાસાંગાણી અને લોધીકા તાલુકાના કૂલ 381 ઈ.વી.એમ-વી.વી.પેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચીંગ કરવામાં આવ્યું હતું.
જેમાં બે ઓક્ઝીલરી મતદાન મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઈ.વી.એમ.-ડિસ્પેચીંગની સમગ્ર પ્રક્રીયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ પ્રક્રીયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ચાર ડિસ્પેચીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી તમામ બુથ વાઈઝ પોલીંગ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર ઈ.વી.એમ-વી.વી.પેટ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે. આવતીકાલે ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપુર્ણ સુસજ્જ છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હિટવેવની આગાહીને ધ્યાને રાખીને પોલીંગ સ્ટાફ માટે પાણી, દવાઓ સહિતની મેડીકલ ટીમની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.