ઇન્શાલ્લાહ… સ્કૂલોને અગનજ્વાળામાં લપેટી દઈશું: વિદેશી IP એડ્રેસે સાયબર ટીમને ધંધે લગાડી, ગૃહમંત્રાલયે અફવા ગણાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
બુધવારે સવારથી દિલ્હી-ગઈછમાં ગભરાટનો માહોલ છે. રાજધાની દિલ્હી તેમજ નોઈડા અને ગુરુગ્રામની લગભગ 100 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે. ઈ-મેલ મળ્યા બાદ પોલીસે તમામ શાળાઓની મુલાકાત લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ ડોગ્સ અને બોમ્બ સ્ક્વોડ સાથે શાળાઓમાં પહોંચી છે અને દરેક ક્લાસની તપાસ કરી રહી છે. ઇ-મેલ મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા આપવામાં આવી છે.
હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઈ-મેલ કોણે મોકલ્યો છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસ માની રહી છે કે આ ઇ-મેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તમામ શાળાઓને એક જ ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. ધમકીવાળા ઇ-મેલના અંતમાં ડોટ કોમમાં તમામ ઇ-મેલને CC કરવામાં આવ્યા છે અને RU લખેલું છે. આ (RU) રશિયા તરફ ઈશારો કરે છે. જો કે, એવું જરૂરી નથી કે તમામ ઇ-મેલ રશિયાથી જ મોકલવામાં આવે. ભારતમાં બેસીને પણ આ ષડ્યંત્રને અંજામ આપી શકાય છે. દરમિયાન દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. ઇમેઇલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઇમેઇલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે, જેની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે આ અફવા છે.
અમારા દિલમાં જેહાદની આગ…
દિલ્હી-નોઈડાની શાળાઓને બોમ્બની ધમકીઓ ધરાવતો ઇ-મેલ મળ્યો છે, જેમાં ડરામણી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈ-મેલમાં લખ્યું છે કે ’અમારા હાથમાં જે લોખંડ છે, જે દિલને સુકૂન આપે છે. અમે તેમને હવામાં ફેંકીશું અને તમારા શરીરના ટુકડે-ટુકડા કરી દઈશું. અમે તમારી ગરદન અને ચહેરાના ચીંથરા ઉડાવી દઈશું. અલ્લાહની મરજી હશે તો તમને અગનજ્વાળાઓમાં લપેટી દઈશું, કાફિરો માટે જહન્નમમાં અલગ આગ છે. કાફિરો તમે એ આગમાં ભડથું થશો. અલ્લાહે અમારી અંદર આગ પેદા કરી છે. ઇન્શાઅલ્લાહ તેને તમારી આસપાસ જુઓ અને હંમેશ માટે બળી જાઓ. અલ્લાહની પરવાનગીથી આકાશમાં ધુમાડો થશે અને આ બધું ખતમ થઈ જશે. શું તમે ખરેખર વિચાર્યું હતું કે તમે કરેલાં બધાં ખરાબ કામોનો કોઈ જવાબ નહીં હોય?’