ભાજપ માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાયા : કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પૃથ્વીરાજ ચૌહાણ, બઘેલ, ગેહલોત પ્રચારમાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાઓ ગજવી છે તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ 26 બેઠકો પરનો પ્રવાસ પૂરો કર્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ 26 બેઠકો પર સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે. આ પછી દરેક બેઠકો પર પ્રચારની ગતિવિધિ વેગ પકડશે. રાજયમાં મુખ્યત્વે સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટી વચ્ચે છે. ત્યારે પોતાના ઉમેદવારોના પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસો હવે તબક્કાવાર રીતે શરૂ થવા જઇ રહ્યા છે.
દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના પ્રવાસો પણ આગામી દિવસોમાં ગોઠવાઇ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓના પ્રચારની તૈયારી ચાલી રહી છે. આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગત સપ્તાહે જ પ્રચાર પ્રવાસે આવી ગયા.
ભાજપે તેની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને એ મુજબ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસોની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ સપ્તાહે આ બન્નેમાંથી એક નેતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રચાર પ્રવાસે આવે તેવું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાઓ ગજવી છે તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ 26 બેઠકો પરનો પ્રવાસ પૂરો કર્યો છે.
- Advertisement -
પાટીલે દરેક લોકસભામાં બૂથ પ્રમુખ સંમેલનો યોજી કેવી રીતે જે તે લોકસભામાં મહત્તમ લીડ પ્રાપ્ત કરી શકાય એમ છે તેનું વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. ભાજપને રાજકોટમાં ક્ષત્રિય આંદોલન ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડમાં આંતરિક ડખાનો સામનો કરવો પડ્યો છે. તેને ઠારવાના પ્રયાસોમાં કેટલી સફળતા મળી છે એ તો પરિણામો બાદ સ્પષ્ટ થશે. પરંતુ ક્ષત્રિયોની માગ મુજબ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેચાતા સમગ્ર રાજયમાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે એને સામે ભાજપને પ્રચાર પ્રસાર માટે નવી રણનીતિ બનાવવી પડે એમ છે.
લોકસભા ચૂંટણી માટે મુખ્યત્વે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ મહત્વના હોવાથી મોટાભાગે મતદારો એટલા ઉત્સુક જણાતા નથી.
આમેય આ વખતે ગરમીનો પારો માર્ચ મહિનાથી જ ઊંચે જતાં રાજકીય પક્ષોએ ઉમેદવારો વહેલા જાહેર કર્યા છતાંય સાર્વત્રિક પ્રચારનો માહોલ હજુ ઊભો થયો નથી.
એમાંય રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ઊભી થયેલી ક્ષત્રિય આંદોલનની આંધીએ માહોલ હજુ જામવા દીધો નથી. ભાજપને તેના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રવાસ પર મદાર છે તો કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો પર આશા છે. સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. સોમવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.
કોંગ્રેસના ઉમેદવારો માટે રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ગેહલોત, અલકા લાંબા, અભિષેક મનુ સંઘવી, ભૂપેશ બઘેલ, રણદીપ સુરજેવાલા સહિતના આગેવાન નેતાઓના પ્રચાર પ્રવાસની તૈયારી થઇ ગઇ છે. તબક્કાવાર રીતે આ નેતાઓના પ્રચાર પ્રવાસ આ સપ્તાહથી શરૂ થશે.