ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢના ઝાંઝરડા, સુખપુર અને જોષીપરા વિસ્તાર સહિતમાં શહેરી વિકાસ સતા મંડળ દ્વારા ટીપી સ્કીમ પાંચ અને સાત બનાવવામાં આવી છે. તેનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે ત્યારે થોડા દિવસ અગાઉ જુડા કચેરી ખાતે વાંધા અરજીઓને લઇને ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યાર બાદ પણ કોઇ કાર્યવાહી ન થતા ભારતીય કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
- Advertisement -
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ પાંચ અને સાત બનાવવામાં આવી છે જેમાં ખેડૂતોની મહામૂલી કિંમતી જમીન 40 ટકા વળતર આપ્યા વગર કપાત કરવા તેમજ તેના પર બેટરમેન્ટ ચાર્જ વસુલવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી રેલી અને આવેદન પત્રો આપી રહ્યા છે. ત્યાર બાદ ખેડૂતો દ્વારા જુડા કચેરીના ટીપી સ્કીમના વિરોધમાં છ દિવસ સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા છતાં કોઇ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની વાતને સાંભળનારૂ કોઇ નથી ત્યારે ખેડૂતો દ્વારા ગઇકાલે કિશાન સંઘની આગેવાનીમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં કિશાન સંઘ અને ખેડૂતોએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, ટીપી સ્કીમ રદ નહીં થાય તો ઝાંઝરડા ગામ તથા સુખપુર અને જોષીપરાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.