84.5 લાખ કરોડ રૂપિયાના ભોજનનો વેડફાટ છતાં 78 કરોડ લોકો ભૂખ્યા સુવે છે!
યુનોના ફૂડવેસ્ટ ઇન્ડેક્ષ રીપોર્ટ-2024ના ચોંકાવનારા આંકડા
- Advertisement -
વિશ્વભરમાં વાર્ષિક 1.05
અબજ ટન ખોરાકનો બગાડ
ભોજનનો બગાડ અટકાવવામાં રોબીનહુડ આર્મી જેવી સંસ્થાઓનો સિંહફાળો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
આપણા દેશમાં પ્રાચીન કાળથી જ અન્ન દેવતા અને અન્ન એજ ઈશ્વર એવા નૈતિક મુલ્યો શીખવવામાં આવે છે. જુના જમાનાના વડીલો દ્વારા આ પ્રથાનું પાલન પણ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ ‘ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રીપોર્ટ-2024’ માં જોઈએ તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રીપોર્ટ માં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં ઈશ્વરરૂપી ભોજનનો બગાડ કરવામાં ભારતીય પ્રજાનું સ્થાન ચીન પછી બીજા ક્રમે આવે છે.
વર્ષ 2022 ના ડેટા પર આધારિત યુનોનો આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષ 2022 દરમ્યાન વિશ્વભરમાં લગભગ 1.05 અબજ મેટ્રિક ટન જેટલા ભોજનનો બગાડ થયો હતો. જેમાં ભોજનનો બગાડ કરનારા પ્રથમ પાંચ દેશોની વિગતો જોઈએ તો 9 કરોડ ટન સાથે ચીનનો પહેલો નંબર છે જ્યારે 6.75 કરોડ ટન સાથે ભારત બીજા સ્થાને છે. એજ રીતે ત્રીજા નંબરે અમેરિકા 1.92 કરોડ ટન, ચોથા ક્રમે જાપાન 80.3 લાખ ટન અને 60 લાખ ટન સાથે જર્મની પાંચમાં નંબરે સ્થાન ધરાવે છે.
રીપોર્ટ મુજબ આજે વિશ્વભરમાં એક બાજુ વાર્ષિક 105 કરોડ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે. ત્યારે બીજી બાજુ વિશ્વના અંદાજે 78.32 કરોડ લોકોને પેટ પુરતું ખાવા મળતું ના હોવાથી ભૂખ્યા જ સૂવું પડે છે. એક વર્ષમાં વ્યક્તિદીઠ સરેરાશ 79 કિલો ભોજનનો બગાડ થાય છે. અને ભોજનનો આવો બગાડ માત્ર ચીન કે અમેરિકા જેવા મોટા અને સમૃદ્ધ દેશો જ કરે છે એવું નથી. પાકિસ્તાન, ઝીમ્બાબ્વે કે શ્રીલંકા જેવા નાના અને ગરીબ દેશોમાં પણ તેનું પ્રમાણ અંદાજે વ્યક્તિદીઠ સરેરાશ 71.5 કિગ્રા એટલે કે લગભગ એકસરખું જ જોવા મળે છે.
ભોજન બગાડના આ આંકડા કોઈ ગોદામો કે વખારમાં સડતા અનાજના નહિ પરંતુ મોટેભાગે લોકોએ ઘરમાં બગાડેલ અથવા એંઠવાડમાં ફેંકી દીધેલા ખોરાકના છે. રીપોર્ટ મુજબ આંકડાઓનું વર્ગીકરણ કરીએ તો 58 ટકા ભોજનનો વ્યય ફક્ત ઘરોમાં થાય છે. જયારે ફૂડ સર્વિસ ક્ષેત્રે 29 ટકા અને રીટેલ ક્ષેત્રે 13 ટકા બગાડ નોંધાયો છે. જો કે એક સારી બાબત એ છે કે શહેરોની સરખામણીએ આજે પણ ગામડાઓમાં ભોજનના બગાડનું પ્રમાણ ઘણું ઓછુ છે. ગામડાઓમાં વધેલ ભોજનને ફેંકવાને બદલે પાલતું પશુઓને આપીઓ દેવામાં આવે છે.
ભોજનના બગાડથી પર્યાવરણ પર પડતી વિપરીત અસરો અંગે રીપોર્ટમાં ખુલાસો કરતા જણાવાયું છે કે ખાદ્યપદાર્થોનો આ કચરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 8 થી 10 ટકાનો વધારો કરે છે. બગડેલા ભોજનમાંથી બનતો 3.3 અબજ ટન ગ્રીનહાઉસ ગેસ વાતાવરણમાં ભળીને કલાયમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાને વધુ ભયજનક બનાવે છે. જો આપણે આ બગાડ થયેલા ભોજનને ઉગાડવા અને પકાવવા માટે વપરાયેલ પાણી અને ઊર્જા જેવા સંશાધનોનો હિસાબ કરવા બેસીએ તો સરવાળે ખોટનો ધંધો સાબિત થાય.
ભોજનનો બગાડ અટકાવવા માટે કામ કરતી રોબીનહુડ આર્મી જેવી સેવા સંસ્થાનો વ્યાપ હજુ વધે તેની ખાસ જરુર છે. ભારતના 400 શહેરો સહીત વિશ્વના વિવિધ 15 દેશોમાં કાર્યરત રોબીનહુડ આર્મી કોઈપણ મેળાવડા કે ઘરોમાં વધેલું ભોજન એકઠું કરીને બગડી જાય કે ફેંકી દેવું પડે તે પહેલા નજીકના ગરીબ અને ભૂખ્યા લોકો સુધી પહોંચાડવાની નિ:શુલ્ક સેવા કરે છે. સાથે જ આ સંસ્થા દ્વારા શાળા-કોલેજોમાં કાર્યક્રમો કરીને બાળકોમાં ભોજનનો બગાડ અટકાવવાની અપીલ પણ કરવામાં આવે છે.
ભોજનનો બગાડના આવા આંકડા જોતા ખરેખર આ એક ભયાનક સમસ્યા છે. તેના નિવારણ માટે જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી સંસ્થાઓએ સહિયારા પ્રયાસ કરવાની તાતી જરૂર છે. દરેક જાહેર માધ્યમો દ્વારા ભોજનનો બગાડ અટકે તેના સંનિષ્ઠ પ્રયત્નો થવા જોઈએ. આપણે પણ પોતાની થાળીમાં જરૂર પુરતું લેવાની અને એંઠું ના મુકવાની આદત પડીશું તો આ સમસ્યાને ઉકેલવામાં યોગદાન આપ્યું ગણાશે અને અન્ન રૂપી ઈશ્વરનો અનાદર થતો અટકશે.