ડાયેરિયા, સ્ટ્રોક, હૃદયરોગ જેવી બીમારીથી મોતમાં ઘટાડો આયુષ્યની વૃદ્ધિનું મુખ્ય કારણ: ‘લેન્સિટ’ના રિપોર્ટમાં ખુલાસો
1990ની તુલનામાં ભારતીયોનું આયુષ્ય 8 વર્ષ વધ્યુ!
- Advertisement -
જો કોરોના ન આવ્યો હોત તો આયુષ્યનું પ્રમાણ આથી પણ વધુ હોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
ભારતમાં 1990ની તુલનામાં હાલ લોકો 7.9 વર્ષ વધુ જીવી રહ્યા છે. ‘લેન્સિટ’માં પ્રકાશિત અભ્યાસમાં આ ખુલાસો થયો છે. અધ્યયન અનુસાર મહામારીના ઝટકા છતાં ગત ત્રણ દાયકામાં ભારત સહિત પૂરી દુનિયામાં જીવનનું પ્રમાણ વધ્યું છે. દુનિયાભરમાં લોકો 1990ની તુલનામાં 2021માં સરેરાશ 6.2 વર્ષ વધુ જીવી રહ્યા છે. જીવનનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ગંભીર બીમારીઓથી થતા મોતમાં ઘટાડો જણાવાયો છે, જો કે ગંભીર બિમારીઓ આજે પણ તે છે જે 1990માં હતી.
- Advertisement -
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાયેરિયા, શ્વાસમાં સંક્રમણ, સ્ટ્રોક અને ઈસ્કેમિક હૃદય રોગ જેવી બીમારીઓથી થતા મૃત્યુમાં ઘટાડો થયો છે. સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 2020માં કોરોના મહામારી ન આવી હોત તો જીવનનું પ્રમાણ હજુ પણ વધુ હોત. ભારતમાં ત્રણ દાયકામાં જીવનના પ્રમાણમાં 7.9 વર્ષનો વધારો થયો છે. દક્ષિણ એશિયાના દેશોમાં 1990 અને 2021 (7.8 વર્ષ) દરમિયાન જીવનના પ્રમાણમાં દુનિયાના અન્ય ભાગોની તુલનામાં બીજી સૌથી મોટી વૃદ્ધિ થઈ છે જેનું મુખ્ય કારણ ડાયેરિયાથી થતા મૃત્યુમાં ભારે ઘટાડો છે.
કોરોના મહામારીના કારણે 2019 અને 2021 વચ્ચે દુનિયાભરમાં જીવનના પ્રમાણમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં જીવનના પ્રમાણમાં ઘણો ઉતાર-ચડાવ પણ નજરે પડયો હતો. દક્ષિણ-પુર્વ એશિયા, પુર્વી એશિયા અને ઓશિનિયામાં કુલ મળીને 8.6 વર્ષની વૃદ્ધિ નોંધાઈ હતી. આ ક્ષેત્રમાં કોરોના (0.4 વર્ષ)ના કારણે જીવનના પ્રમાણમાં સૌથી ઓછો ઘટાડો આવ્યો. કોરોનાના કારણે સૌથી વધુ 3.6 વર્ષ જીવનની હાનિ લેટિન અમેરિકા અને કેરેબિયનમાં થઈ હતી.
દક્ષિણ એશિયાના દેશોમાં જીવનનું પ્રમાણ: ભૂતાનમાં 13.6 વર્ષ, બાંગ્લાદેશમાં 13.3, નેપાળમાં 10.4, ભારતમાં 7.9 અને પાકિસ્તાનમાં 2.5 વર્ષનું જીવનનું પ્રમાણ વધ્યું છે. અર્થાત ભૂતાનમાં સૌથી વધુ 13.6 વર્ષ અને પાકિસ્તાનમાં સૌથી ઓછુ 2.5 વર્ષ જીવનનું પ્રમાણ વધ્યું છે.
ભારતમાં 1990 બાદથી 3 દાયકામાં સરેરાશ આયુષ્યમાં એક દાયકાથી વધારાની વૃદ્ધિ થઈ છે પણ રાજ્યો વચ્ચે મોટા પાયે અસમાનતાઓ પણ છે. આ ખુલાસો થયો છે લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસમાં. આ અભ્યાસમાં દુનિયાના 200થી વધુ દેશોમાં મૃત્યુનાં 286થી વધુ કારણો અને 369 બીમારીઓનું આકલન કરાયું હતું. આ અભ્યાસમાં જણાવાયું કે ભારતમાં સરેરાશ આયુષ્ય 1990માં 59.6 વર્ષની તુલનાએ 2019માં 70.8 વર્ષ સુધી પહોંચી ગયું છે. જોકે રાજ્યોમાં તેમાં ઘણું અંતર છે જ્યાં કેરળમાં સરેરાશ આયુષ્ય 77.3 વર્ષ છે જ્યારે યુપીમાં આ 66.9 વર્ષ નોંધાયું છે.
સંશોધકોમાં સામેલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના શ્રીનિવાસ ગોલી કહે છે કે ભારતમાં સ્વસ્થ જીવન આયુષ્યમાં આટલી જોરદાર વૃદ્ધિ ન થઈ જેટલી સરેરાશ આયુષ્યમાં થઈ છે કેમ કે લોકો પહેલાંથી વધુ જીવી રહ્યા છે પણ બીમારી અને અક્ષમતા સાથે.
વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમ અનુસાર ગંભીર બીમારીઓનું વર્તમાન વૈશ્વિક સંકટ અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓની નિષ્ફળતા, હાઈબ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ અને વાયુ પ્રદૂષણને લીધે લોકો કોવિડ-19 જેવી બીમારીઓથી લડવામાં નબળા થતા જઈ રહ્યા છે. રિસર્ચ અનુસાર ગત 30 વર્ષ દરમિયાન વધેલી સ્થૂળતા, હાઈબ્લડ શુગર, વાયુ પ્રદૂષણે કોવિડ-19થી થનારાં મૃત્યુની સંખ્યા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
જોકે વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ ગ્લોબલ હેલ્થ અલી મોકદાદ કહે છે કે ભારત સહિત લગભગ દરેક દેશમાં જે મુખ્ય સુધારો જોવા મળ્યો છે તે એ છે કે ચેપી રોગોમાં ઘટાડો થયો અને ક્રોનિક બીમારીઓમાં વધારો થયો. ભારતમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મોટી સંખ્યામાં મૃત્યુ થતાં હતાં પણ હવે તેમાં ઘટાડો થયો છે.