ભારતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી : યુએનની સંસ્થા ઇલોનો રિપોર્ટ
75 ટકા યુવાનોને ઇમેલમાં ફાઇલ એટેચ કરતા જ્યારે 60 ટકાને ફાઇલ કોપી પેસ્ટ કરતા પણ નથી આવડતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં શિક્ષિત યુવાઓ અશિક્ષિત યુવાઓની સરખામણીમાં વધુ બેરોજગાર છે. આ દાવો સંયુક્ત રાષ્ટ્રની એજન્સી દ્વારા કરાયો છે. યુએનની એજન્સી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ઇલો)એ કહ્યું છે કે ભારતમાં શિક્ષિત યુવાનોમાં અશિક્ષિત યુવાઓ કરતા બેરોજગારીનું સ્તર વધુ છે. સાથે જ વૈશ્વિક સરખામણીએ ભારતમાં યુવાનોનો બેરોજગારી દર પણ વધુ છે. ઇલોએ પોતાની વેબસાઇટ પર આ રિપોર્ટને જાહેર કર્યો છે જેને ઇન્ડિયા અનએમ્પોયમેન્ટ રિપોર્ટ 2024 નામ આપવામાં આવ્યું છે.
1919માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇલોના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં જે પણ બેરોજગારો છે તેમાં 83 ટકા યુવાઓ છે. આ રિપોર્ટમાં ભારતીય યુવાઓમાં કુશળતાની ખામી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ ભારતના 75 ટકા યુવાઓ એટેચમેન્ટ સાથે ઇમેલ મોકલી શકે એટલી પણ કુશળતા નથી ધરાવતા. ઇલોના રિપોર્ટમાં વેતન અંગે પણ જણાવવામાં આવ્યું છે. ભારતમાં લોકોનું વેતન સામાન્ય રહ્યું છે અથવા તો ઘટાડો થયો છે. શ્રમિકો અને સ્વરોજગારી વાળા વ્યક્તિઓના વેતનમાં વર્ષ 2019 બાદ નકારાત્મક સ્થિતિ જોવા મળી, એટલુ જ નહીં સ્કિલ વગરના શ્રમિકોંને વર્ષ 2022માં લઘુતમ વેતન પણ નથી મળ્યું.
- Advertisement -
ઇલોના રિપોર્ટમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે ભારતના યુવાઓમાં મૂળભૂત ટેક્નોલોજી કે ડિજિટલ શિક્ષણનું પ્રમાણ ઓછુ છે, જેને કારણે તેઓને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 90 ટકા ભારતીય યુવાઓ સ્પ્રેડશીટમાં મેથ્સના ફોમ્ર્યૂલા લગાવવામાં અસમર્થ છે. 60 ટકા યુવાઓ ફાઇલોંને કોપી પેસ્ટ પણ નથી કરી શકતા. 75 ટકા યુવાઓ ઇમેલમાં ફાઇલને એટેચ કેમ કરાય તે પણ નથી જાણતા. યુવા મહિલાઓ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલાઓને યુવકોની સરખામણીમાં રોજગારી મેળવવામાં વધુ મુશ્કેલી પડી રહી છે. આ રિપોર્ટ ઇલો ઉપરાંત ઇન્સ્ટિટયૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા પણ તૈયાર કરાઇ છે. જેમાં યુવાઓમાં બેરોજગારી, સ્કિલ કે અન્ય કુશળતા પણ ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ તમામ બેરોજગારોમાં શિક્ષિત યુવાઓની સંખ્યા 54.2 ટકાથી વધીને 65.7 ટકાએ પહોંચી છે. રિપોર્ટ અનુસાર બેરોજગારોમાં 80 ટકા એવા યુવાઓ છે કે જેઓ કામ શોધી રહ્યા છે. કુલ બેરોજગાર ભારતીયોમાં 65.7 ટકા એવા છે કે જેમણે સેક્ધડરી એજ્યુકેશન કે હાયર એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2000માં આવા બેરોજગારોની સંખ્યા 35.2 ટકા હતી જે હાલ 65 ટકાને પાર જતી રહી છે.
સૌથી વધુ એવા યુવાઓ બેરોજગાર છે કે જેમની પાસે ગ્રેજ્યુએશન સુધીની ડીગ્રી છે. એટલે કે ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાઓ વધુ બેરોજગાર છે. તેમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે. વર્ષ 2022માં રોજગાર, શિક્ષણ કે ટ્રેનિંગમાં સામેલ ન થનારી મહિલાઓની ટકાવારી 48 ટકા જ્યારે પુરુષોની 9.8 ટકા હતી. જોકે આંતરરાષ્ટ્રીય સંસ્થાના આ આંકડાને લઇને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો છે કે ભારતીય એજન્સીઓના આંકડા યુએનની સંસ્થાના આંકડા કરતા અલગ છે. રિપોર્ટ અનુસાર કોન્ટ્રાક્ટ આધારીત રોજગારીમાં વધારો થયો છે, જ્યારે ફુલ ટાઇમ નોકરીઓ ઓછી છે, વર્ષ 2012થી 22 દરમિયાન ફુલટાઇમ નોકરી કરનારાના વેતન સ્થિર રહ્યા છે અથવા તો ઘટાડો થયો છે. રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે બેરોજગારી સામે પહોંચી વળવા માટે રોજગારીનું સર્જન વધારવું પડશે, યુવાઓમાં સ્કિલ વધારવી પડશે.
સાથે જ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધ્યોગોને સમર્થન આપવું પડશે. એવા ક્ષેત્રો કે જેમાં રોજગારીની તક વધુ હોય તેમાં રોકાણ વધારવું પડશે.