આવાસ યોજનાના ફ્લેટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનો આક્ષેપ
વોર્ડ નં. 6ના ગોકુલનગર આવાસ યોજનામાં 19 ફ્લેટમાં ગોલમાલ: કોર્પોરેટરોના પતિદેવોએ ડ્રોમાં ગોલમાલ કરી કૌભાંડ આચર્યુ હોવાની દહેશત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
શહેરના સામા કાંઠે વોર્ડ નં. 6ના સંત કબીર રોડ પરના ગોકુલનગર આવાસ યોજના એ ભ્રષ્ટાચારની ગંગોત્રી હોય તેમ બે વર્ષ પહેલાં આવાસ યોજનામાં કૌભાંડ થયા બાદ તાજેતરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ડ્રોમાં ગોલમાલ કરી કોર્પોરેટરોના પતિદેવો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. અધિકારી સાથે મિલીભગતથી ગરીબોના છેદ ઉડાડી પોતાના મળતિયાઓના નામો ઘુસાડી દેવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ઝુંપડપટ્ટી દૂર કરી તે ઝુંપડપટ્ટીમાં રહેનારા ગરીબોને આવાસ દેવાના હતા પરંતુ માલેતુજાર પરિવારના નામો ઘુસાડી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ કર્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ રેશનકાર્ડ એ ફકત પુરવઠા માટે છે જેને સરનામા તરીકે ઉપયોગ કરી શકાય નહીં તે અંગે સરકારે પણ વારંવાર તાકિદ કરી છે અને તેમ છતાં આવાસ યોજનાના સરનામા માટે રેશનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા કૌભાંડકારો સાથે મિલીભગત કરી રેશનકાર્ડમાં સરનામુ અને અટક બદલી આવાસો મેળવવામાં ખેલ પાડી દેવામાં આવ્યો છે.
- Advertisement -
તદુપરાંત બંને કૌભાંડકારોએ અટકમાં ફેરફાર કરી ગોલમાલ કરી હોવાનું જણાય છે. રાજકોટ મહાનગરપાલિકા અને પુરવઠા સાથેના સરકારી રેકોર્ડમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે તેવું મ્યુ. કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે.
વધુમાં સમગ્ર પ્રકરણમાં ડ્રો પછીના આવાસ ફાળવણીની પ્રક્રિયા સ્થગતિ કરવામાં આવી છે જે પગલે કૌભાંડની બદબૂ આવે છે.
આ સાથે બીડાણમાં રહેલા 19 કવાર્ટરોના તમામ પરિવારોના મોભી અને પરિવાર સભ્યોના આધારકાર્ડ લઈ અન્ય આવાસો ધરાવે છે કે કેમ, ખોટા સોગંદનામા કર્યા હોય અને અન્ય મકાન ધરાવતા હોય તો તમામ બાબતોમાં કસુરવાન જણાયે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરી બંને નગરસેવકોને ડિસ્કવોલીફાઈ કરી સમગ્ર પ્રકરમની તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા મ્યુ. કમિશનરને અપીલ કરવામાં આવી છે, અને જો દિવસ-15માં આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો કચેરી સામે ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી છે.