રવિવારે માર્ગ નામાભિધાન સમારંભ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા ગ્રામ પંચાયત, રૈયા રોડથી આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ સુધીના માર્ગને રૂપાબેનની સમાજ સેવામાં આપેલ યોગદાન બદલ રૂપાબેન શીલુ માર્ગ નામ આપવામાં આવ્યું છે. કોર્પોરેશનના પદાધિકારીઓનું આ પગલું નાના કાર્યકર્તાની કર્તવ્યનિષ્ઠાનું અભિવાદન છે. તેમના આ પ્રેરણાદાયી પારમાર્થીક કાર્યના ઋણસ્વીકાર કરવાના નમ્ર પ્રયાસરૂપે નામાભિધાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 9ના દરેક નાગરિક ભાઈ-બહેન અને કાર્યકર્તાઓ માટેના ગૌરવપૂર્ણ પ્રસંગે આપની ઉપસ્થિતિ જાહેરજીવનના કાર્યકર્તા માટે પ્રેરણારૂપ બની રહેશે.
રૂપાબેન શીલુ એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ કર્મઠ ને સંવેદનશીલ કાર્યકર્તા, ભરોસો મૂકી શકાય એવી સખી, પવિત્ર રાજનીતિજ્ઞ. રૂપાબેન શીલુ એક એવું નામ કે એક વખત સંપર્કમાં આવેલા દરેક સામાન્ય નાગરિકને દિલમાં આજે પણ વસે છે. જેમના કાર્યની પ્રશંસા નાના-મોટા કોઈ પણ માણસના મોઢેથી સાંભળવા મળશે. આજે એમની અનુપસ્થિતિમાં એમના કર્મક્ષેત્ર વોર્ડ નંબર નવના રૈયા ગ્રામ પંચાયત ચોકથી શરૂ થયેલ માર્ગ જે ગોપેશ્ર્વર મહાદેવ મંદિર, નોવા સ્કૂલ, લોર્ડ સ્કૂલ વિદ્યા નિકેતન સ્કૂલ, પાટીદાર ચોક તથા રામેશ્ર્વર મહાદેવ મંદિર થઈ આકાશવાણી ચોક પાસે યુનિવર્સિટી રોડને મળે છે એ માર્ગને રૂપાબેન શીલુ માર્ગ આપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઔચિત્યપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે.
તા. 3ના રવિવારે સવારે 10 કલાકે માર્ગ નામાભિધાન સમારંભ રૈયા ગામ ચોક, સવન સિમ્ફની પાસે, રૈયા રોડ ખાતે યોજાશે જેમાં નયનાબેન વી. પેઢડીયા મેયર, રાજકોટ મહાનગર પાલિકા મુખ્ય મહેમાન રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વપ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસંહ જાડેજા, ઝોન મહામંત્રી માધવભાઈ દવે, વોર્ડ નં.નવના નગરસેવકો પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય તથા દક્ષાબેન વસાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે.
રૈયા ગ્રામ પંચાયત ચોકથી આકાશવાણી ચોકને ‘રૂપાબેન શીલુ માર્ગ’નું નામ અપાયું



