જો તમે વિદેશ જવા ઈચ્છો છો, ખાસ કરીને કમાવવા માટે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. ન્યૂઝીલેન્ડની સરકાર વિદેશથી તેના દેશમાં આવતા નાગરિકો માટેના લઘુત્તમ વેતનને વધારી રહી છે. ન્યૂઝલેન્ડના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લઘુત્તમ વેતનમાં કરાયેલો વધારો આજથી જ એટલે કે 28 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ રહ્યો છે.
જે નાગરિકો ન્યૂઝીલેન્ડમાં નોકરી કરવા ઈચ્છી રહ્યા છે, તેમના માટે આ સારી તક છે. જો કે એક્રેડિટેડ એમ્પલોયર વર્ક વિઝામાં આવતા વિદેશી નાગરિકોના વેતનમાં કોઈ વધારો નથી થઈ રહ્યો. ન્યૂઝીલેન્ડમાં વેજ થ્રેશહોલ્ડ અમલમાં છે. વેજ થ્રેશહોલ્ડ એટલે જુદા જુદા વિઝા અંતર્ગત આપવામાં આવતું લઘુત્તમ વેતન. ન્યૂઝીલેન્ડની સરકાર દ્વારા જુદી જુદી નોકરીમાં જરૂરિયાતની સ્કીલ્સ મુજબ વેજ થ્રેશહોલ્ડ એટલે કે લઘુત્તમ વેતન નક્કી કરતી હોય છે, સાથે જ દર વર્ષે વધતા ફુગાવાની સાથે તેને રિવ્યુ પણ કરે છે. છેલ્લે જૂન 2023માં ન્યૂઝીલેન્ડ સરકારે લઘુત્તમ વેતન પ્રતિ કલાકના 29.66 ડૉલર્સથી વધારીને 31.61 ન્યૂઝીલેન્ડ ડૉલર કર્યું હતું.
- Advertisement -
કયા વિઝા પર અસર પડશે?
– સ્કીલ્ડ માઈગ્રન્ટ કેટેગરી
– ગ્રીન લિસ્ટ સ્ટ્રેઈટ ટુ રેસિડેન્ટ
– વર્ક ટુ રેસિડેન્સ વિઝા
– પેરેન્ટ કેટેગરી રેસિડેન્સ ક્લાસ વિઝા
ઉપરનામાંથી કોઈ પણ વિઝા માટે અપ્લાય કરનાર વ્યક્તિઓએ હવે વિઝા મેળવવા માટે પ્રતિ કલાકે ઓછામાં ઓછા 31.61 ડૉલર્સની કમાણી દર્શાવવી ફરજિયાત છે. આ નિર્ણયને કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વર્ક ટુ રેસિડેન્સ વિઝા માટે અરજી કરનાર ડ્રાઈવર્સ સિવાયના અરજદારોના વેતનમાં પણ વધારો થશે. જો કે ન્યૂઝીલેન્ડ સરકારનો લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય એક્રેડિટેડ એમ્પલોયર વર્ક વિઝા ધરાવનાર પર લાગુ નહીં પડે. ઈમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા આ વિઝા કેટેગરી માટે લઘુત્તમ વેતન 29.66 ન્યૂઝીલેન્ડ ડૉલર યથાવત્ રાખવામાં આવ્યું છે. તો ટુરિઝમ અને હોસ્પિટાલિટી જેવી ઈન્ડસ્ટ્રી જેઓ સેક્ટર એગ્રીમેન્ટ્સ અંતર્ગત કામ કરે છે, તેવી ઈન્ડસ્ટ્રી નક્કી કરેલા લઘુત્તમ વેજ કરતા ઓછું પેમેન્ટ કરી શકે છે. જો કે, આ સેક્ટર માટે પણ લઘુત્તમ વેતનની એક મર્યાદા તો છે જ, જે મીડિયન વેજ સાથે સંકળાયેલી છે. ટુરિઝમ અને હોસ્પિટાલિટી સવિર્સમાં લઘુત્તમ વેતન 28.18 ન્યૂઝીલેન્ડ ડૉલર પ્રતિ કલાક છે.
- Advertisement -
જ્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ બસ ડ્રાઈવર માટે અલગથી જોગવાઈ છે, જે મુજબ તેમનું લઘુત્તમ વેતન 28 ડૉલર પ્રતિ કલાક હોવું જરૂરી છે. જ્યારે કેર વર્કર્સ માટે લઘુત્તમ વેતન પ્રતિ કલાક 26.16 ન્યૂઝીલેન્ડ ડૉલર હોવું જરૂરી છે. પરંતુ જો તમે કેર વર્કફોર્સમાં આવો છો, પરંતુ તમારે રેસિડેન્સ વિઝા જોઈએ છે, તો તમારું લઘુત્તમ વેતન 28.25 ન્યૂઝીલેન્ડ ડૉલર પ્રતિ કલાક હોવું જરૂરી છે.



