તામિલનાડુ-કર્ણાટક-કેરળમાં ભાજપ રાષ્ટ્રીય સ્તરે જાણીતા નેતાઓને ઉતારશે: ચંદ્રશેખરની ટકકર થરૂર સામે થશે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના તમામ વરિષ્ઠ નેતાઓને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે અને તેમાં હાલ રાજયસભામાં બેસતા સીનીયર કક્ષાના ગણાતા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર તથા નાણામંત્રી નિર્મલા સીતારામનનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ આ માહિતી આપતા જણાવ્યું કે બન્ને કેબીનેટ મંત્રીઓની બેઠક અંગે હવે નિર્ણય લેવાશે પરંતુ તેઓ ચુંટણી લડશે તે નિશ્ર્ચિત છે. સીતારામન મુળ તામિલનાડુના છે જયારે એસ.જયશંકર કર્ણાટકના છે અને તેથી તેઓને સંભવત આ રાજયોમાંજ ચૂંટણી લડવા જણાવાશે. પરંતુ સંભવત અન્ય રાજયની બેઠક પણ ઓફર થઈ શકે છે.
બન્નેમાંથી એકને બેંગ્લોરની એક લોકસભા બેઠક ઓફર થઈ શકે છે. 2019માં ભાજપે બેંગ્લોરની તમામ ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જો કે સીતારામન રાજયસભામાં કર્ણાટકમાંથી ચુંટાયા છે પણ તેઓ તામિલનાડુ અને તેલંગાણા બન્ને સાથે પણ જોડાયેલા છે. તેમનો જન્મ તામિલનાડુના મદુરાઈમાં થયો છે.
તેઓએ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે કાંચીપુરમમાં એક જબરા સમારોહમાં હાજરી આપી હતી.
જયારે એસ.જયશંકરનો પ્રાથમીક અભ્યાસ બેંગ્લોરમાં થયો હતો. તેઓએ વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો પ્રચાર કર્યો હતો.
આ ઉપરાંત હાલ રાજયસભામાંથી નિવૃત થયેલા કેન્દ્રીય ઈલેકટ્રોનિકસ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરને કેરળમાં તિરૂવન્તપુરમ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સામે ચુંટણી લડવા જણાવી શકાય છે. ચંદ્રશેખર તેમના વ્યવસાયના કારણે કેરળમાં પણ જાણીતા છે.