હું તને જોઉં તને ગમતું નથી ?
આંખનો શું ધર્મ છે સમજાવ ને !
- Advertisement -
વ્હાલી જિંદગી…
સુખની બધી જ કડીઓની સાંકળ બનાવી, મારાં દરેક સ્વપ્નને પરોવી તું મને જીવાડી રહી છે. એટલે જ જીવવું મને અતિશય વહાલું લાગે છે. તું મારાં જીવનનું ધનભાગ્ય છે. જીવનના સાચા સૂરને સાધતા આવડી જાય પછી જીવનની મધુરતાનું પ્રગટીકરણ થાય એ વાત તે કેટલી સહજતાથી મને શીખવી દીધી છે! તારા કારણે જ મારાથી સાચો સૂર સધાયો છે અને જીવનનું સંગીત વહી રહ્યું છે. તારા કારણે જ જીવન વધું વહાલું લાગે છે… આનંદ આપનારું લાગે છે. જિંદગી! તું ફાગણમાં ગવાતો ફાગ છે… તું મારાં શ્વાસોશ્વાસનો રાગ છે… હું હર પળ તને માણ્યાં કરું છું કારણ કે મને તો તારા પર બહું ભરોસો છે પણ નસીબ પર બિલકુલ નથી. એટલે જ પ્રેમની પ્રત્યેક પળને હું અબીલ ગુલાલથી રંગી લઉં છું. તું મારી ભીતર ઊઠતું શ્રદ્ધાનું ચક્રવાત છે, તું મારાં સમર્પણની સામે પાર વહેતી પવિત્ર નદીની ધારા છે. હું હવાઈ ગયેલી દીવાસળીની સળી જેવો હતો જેને તે પ્રગટ કરી ધબકતો કર્યો એ તારા આ તેજ પ્રવાહને કારણે જ શક્ય બન્યું છે. તારી સુગંધ મારાં શ્વાસને પાવન કરી મારી અંદર સમાઈ જાય છે ત્યારે હું અઢી વેંત હવામાં ઊડતો હોઉં એવું લાગે છે. જીવવાના લાખો કારણો મારી પાસે છે અને એ બધાં જ કારણો તું અને આપણાં સપના છે. જેવી રીતે વાદળો બંધાય અને વરસાદને ખેંચી લાવી વરસાવી જાય, વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે ઉતરી વૃક્ષની વૃદ્ધિ કરી ફળ આપવા લાગે એમ એવી જ રીતે તારા અનર્ગળ પ્રેમથી મારી ઉત્પત્તિ થઈ છે. મારી અંદર, આજુબાજુ, આસપાસ, આરપાર દરેક જગ્યાએ જિંદગી… જિંદગી… જિંદગી એવો જીવનમંત્ર ગૂંજી રહ્યો છે. સંસારસાગર પાર કરાવનાર આ મંત્ર મારાં આનંદનું સરનામું છે, મારાં જીવનનું ચાલકબળ છે. આરાધના કરવી એટલે આપણે જેનામાં શ્રદ્ધા વાવી હોય એમાં પૂર્ણપણે ખૂંપી જવું. હું તો તારામાં છેક ઓગળીને લીન થયેલો આત્મા છું, અને હવે હું જે કંઈ કરું છું એ અકર્મ છે. આ અકર્મવિદ્યાનું જ્ઞાન પણ મને તારામાંથી જ પ્રાપ્ત થયું છે. તું મારાં જ્ઞાનના અજવાળાને દીક્ષા આપી એને વધારે ઉજ્જ્વળ કરી રહી છે. પૂર્ણ તન્મયતાથી હું તારામાં ખૂંપી જઈ તને તારામાંથી ઉલેચી મારી ભીતર ભરતો રહું છું. પૂર્ણ નિષ્ઠાથી પ્રાપ્ત થયેલું આ પ્રેમજ્ઞાન મને મોક્ષની દિશામાં જ દોરી જાય છે. હું તને વારે વારે વંદન કરું છું કારણ કે ગુરુની બધી જ લાયકાત તારામાં છે. મારી અંદર આવી રહેલું આ જ્ઞાન મેં પણ તારામાં શ્રદ્ધા વાવીને પ્રાપ્ત કરેલું છે. આ શ્રદ્ધા જ મને મારાં મુકામ સુઘી દોરી જશે.
સતત તને જીવતો…
જીવ
(શીર્ષકપંકિત:- ભાવેશ ભટ્ટ)