લોકો જીવ બચાવવા કૂદયા, ઈમારતમાં 350 લોકો ફસાયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
સ્પેનના વેલેન્સિયામાં એક 14 માળની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં 4 લોકો મૃત્યુ પામી ગયા છે. જ્યારે 20થી વધુની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ લોકો પણ મૃત્યુ પામી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના ગુરુવારે સાંજે 5:30 વાગ્યે બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટના સમયે આગ લાગતાં લગભગ 350 લોકો તેમના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. અનેક લોકોએ ડરને કારણે ઈમારત પરથી જ છલાંગ લગાવી દીધી હતી. જોકે તેમના માટે નીચે મેટ પાથરવામાં આવી હતી.
- Advertisement -
આ ઘટના સામે આવ્યા બાદ આગને લગતો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને અનેક ફ્લોરથી નીચે કૂદતો જોઈ શકાય છે. તેને બચાવવા માટે નીચે મેટ પાથરવામાં આવી હતી. જ્યારે અનેક લોકો ફ્લેટની બાલકનીમાંથી મદદ માગતા દેખાયા હતા. ઘટનામાં ઈમારત સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગઇ હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. જોકે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે ગુમ થયેલા લોકો જીવીત હોવાની આશા ખૂબ જ ધૂંધળી થઈ ચૂકી છે.