RTOના ભ્રષ્ટાચારના કારણે ફિટનેસ સેન્ટર ખોલ્યા તો તેમાંય હવે ગેરરીતિઓ
ઑનલાઇન કામગીરીમાં ગેરરીતિ અંગે કમિશનર કચેરીની નિંભર નિષ્ક્રિયતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની 37 આરટીઓમાં વાહન ફિટનેશની ચાલતી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના લીધે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ વાહન ફિટનેશના ખાનગી સેન્ટરો ખોલવા વાહનવ્યવહાર કમિશનર કચેરીએ મંજૂરી આપી હતી. પરંતુ ખાનગી ફિટનેશ સેન્ટરોમાં પણ ગેરરિતી થતી હોવાનું બહાર આવતા કમિશનરે તપાસ કરી સુનાવણી હાથધરી હતી. તપાસમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યમાં 16 ખાનગી ફિટનેશન સેન્ટરો દ્વારા વાહન ફિટનેશની કામગીરી કરી ઓનલાઇન ડેટા ચઢાવાના બદલે ગાયબ કરી દેવાતા અને વાહનને ફિટનેશન સેન્ટર પર બોલાવ્યા વગર જ ફિટનેશનું સર્ટિફિકેટ આપવા સહિતની ગેરરિતી ચાલતી હતી. જેનો રિપોર્ટ કમિશનર કચેરીને સોંપી દેવાયો છે. પરંતું હજી સુધી સેન્ટરો સામે પગલાં નહીં લેવાતા કમિશનર કચેરી સામે અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા છે. રાજકીય દબાણના લીધે પગલાં ભરાતા નહીં હોવાનું મનાય છે.
આરટીઓમાં વાહન ફિટનેશ માટે ખાનગી વાહનને 15 વર્ષે ફિટનેશ સર્ટિફિકેટ મેળવાનું છે. જેમાં ટુવ્હીલરમાં રુપિયા એક હજાર પ્લસ 200 સર્ટિફિકેટના, કારમાં રુપિયા 5 હજાર પ્લસ 200 સર્ટિફિકેટના અને ઇમ્પોર્ટેડ કારમાં રુપિયા 40 હજાર પ્લસ 200 ફિટનેશ સર્ટિફિકેટનો ચાર્જ છે. જ્યારે કોમર્શીયલમાં ઓછામાં ઓછા રુપિયા 400 પ્લસ 200 થી લઇ વધુમાં વધુ 800 પ્લસ 200 ફિટનેશ સર્ટિફિકેટના કેટેગરી પ્રમાણે વસુલાય છે. કોમર્શીયલમાં આઠ વર્ષ સુધી દર બે વર્ષ અને પછી દર વર્ષે વાહનનું ફિટનેશન સર્ટિફિકેટ મેળવવું પડે છે.
હાલ આરટીઓ અને ખાનગી ફિટનેશ સેન્ટર એમ બંને સ્થળોએ કામગીરી ચાલે છે. ફિટનેશ સેન્ટરના ભાવ વધુ છે. અગાઉ આરટીઓમાં ફિટનેશ સર્ટિફિકેટ માટે આવતા વાહન માલિકો પાસે વધારાના નાણાં ખંખેરવામાં આવતા હોવાના ઘણાં આક્ષેપ થયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે ફિટનેશ સેન્ટરોને વાહન ફિટનેશની કામગીરી સોંપવા પરિપત્ર કરતાં ગુજરાતમાં કોઇ પણ તપાસ કર્યા વગર સરકારને સારુ લગાડવા સૌથી વધુ 16 ખાનગી સેન્ટરોને વાહન ફિટનેશની કામગીરી માટે માન્યતા આપી હતી.
પરંતુ ગણતરીના મહિનામાં જ ખાનગી ફિટનેશન સેન્ટરો પર લૂંટફાટ કરાતી હોવાની ફરિયાદો ઉચ્ચઅધિકારીઓને મળી હતી. એટલું જ નહીં ખાનગી સેન્ટરોને ડર ના હોય તેમ વાહનવ્યવહારના સર્વરમાં ફિટનેશ વાહનોના ડેટા સહિતની માહિતી જ ચઢાવવામાં આવતી નહતી. ફિટનેશ સેન્ટર પર વાહન ના આવે તો ઘેર બેઠા સર્ટિફિકેટ આપીને ટ્રક અને બસ સહિત કોમર્શીયલ વાહન માલિકો પાસે ગોંઠવણ કરી હજારો રુપિયા ખંખેરાતા હતાં. ગેરકાયદે કમાણીનો ધંધો શરુ કરી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી ગેરરીતિના મામલામાં સાચી માહિતી બહાર આવ્યા પછી કમિશનર ત્વરિત પગલાં ભરીને નોટીસ આપતા હોવાનું મનાય છે. પરંતુ ગેરરિતી બહાર આવ્યા પછી પણ ખાનગી ફિટનેશન સેન્ટરો સામે પગલાં નહીં ભરાવાની ચર્ચાએ જોર પકડયું છે. રાજકીય દબાણના લીધે હવે ભીનું સંકેલાય તેવી શક્યતા છે.