સીટી બસની સુવિધા ન હોવાના કારણે બહારગામથી આવતાં પક્ષકારોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે: સુરેશ ફળદુ
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર રોડ પર આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં સીટી બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. અદાલતના રોજબરોજના ઘણા કેસોમાં પક્ષકારોને બહારગામથી કે શહેરના દૂરના છેવાડાથી આવવાનું હોય છે ત્યારે સીટી બસના અભાવના કારણે મુશ્કેલીઓ ઉભી થાય છે. આ પ્રશ્ર્નના ઉકેલ માટે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ આર. ફળદુ દ્વારા તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગમાં સીટી બસની સુવિધા પૂરી પાડવા રજૂઆત કરી છે. વધુમાં તેમણે આ અંગે જણાવ્યું હતું કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા અગાઉ પણ જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગમાં સીટી બસની સુવિધા પુરી પાડવા સંદર્ભે પત્રવ્યવહાર, ટેલિફોનીક અને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. રાજકોટનું નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગ જામનગર રોડથી થોડા અંદરના ભાગે છે અને ત્યાં સીટી બસની સુવિધા હાલમાં નથી જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ પક્ષકારોને સુગમતા રહે અને ન્યાયની અપેક્ષા પાછળ વધુ ખર્ચ ન થાય તે માટે નવા કોર્ટ બિલ્ડિંગને સાંકળી શકાય તેવા શહેરના જુદા જુદા વિસ્તારના બસ રૂટને લંબાવવાની જરૂરિયાત છે તેવું જણાવ્યું હતું. આ સાથે જનહિતને ધ્યાને લઈ સીટી બસની સુવિધા વહેલાસર મળી શકે તે માટે તાત્કાલિક બસ સેવા શરૂ કરવા માંગ કરાઈ છે.
- Advertisement -
રાજકોટનાં નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટનાં વળાંકમાં ડિવાઈડર તથા સ્પીડબ્રેકર જરૂરી
રાજકોટનાં નવા ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં કોર્ટ તરફ આવતા જે ડાબી તરફ વળાંક પાસે તથા કોર્ટથી વળતી વખતે જતા સામે ટચ થતા સામેની બાજુ જવા માટે ડિવાઈડરમાં મોટો ગેપ મુકવો ખુબ જ જરૂરી બન્યો છે. તેમજ રોડની બંને સાઈડ ડીવાઈડરથી થોડે દુર સ્પીડબ્રેકર કરવા ખુબ અનિવાર્ય બન્યું છે. કારણ કે ડીવાઈડર અને સ્પીડબ્રેકર ન હોવાથી ગંભીર અકસ્માતની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અગાઉ પણ અનેક વખત આ અંગે લેખિતમાં રજુઆતો કરી છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.. જેથી તત્કાળ આ અંગે કાર્યવાહી કરવા વિનંતી..