અયોધ્યા કાંડ ॥ 1/38 ॥
કથામૃત : એક છોકરો શાળાએથી ઘેર આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યું, બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે. છોકરાને થયું કે, આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પૂછ્યું એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું, બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે. એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે, અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે. છોકરાને સમજાઇ ગયું કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાખે છે. એક દિવસ આ બાળકને સપનું આવ્યું અને સપનાંમાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પૂછ્યું, પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? ભગવાને હસતાં હસતાં કહ્યું, બેટા, તે જે સાંભળ્યું છે, એ સાચું જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનું ભવિષ્ય લખી નાખું છું. બાળકે ભગવાનને કહ્યું, પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે, જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો. ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાં લઈ ગયા જ્યાં અનેક ચોપડાં હતાં. ભગવાને કહ્યું, આ બધાં જ ચોપડા ધરતી પરના માણસના ભવિષ્યના ચોપડાઓ છે. તારે જે જોવો હોય એ લઈને તું જોઇ શકે છે. બાળકે એક ચોપડો ઉપાડ્યો. ચોપડામાં જુદા-જુદા માણસના નામ લખેલા હતા પરંતુ નામ પછી આખુ પાનું કોરું જ હતું. બાળકે બીજો ચોપડો ઉપાડ્યો તો એમાં પણ એમ જ હતું. દરેક પાના પર માણસનું નામ લખેલું પણ ભવિષ્ય સાવ કોરું. બાળકે ભગવાનને પૂછ્યું, પ્રભુ, આ ચોપડાઓમાં તો આપે કોઈનું ભવિષ્ય લખેલું જ નથી, પાનાં સાવ કોરા છે. ભગવાને બાળકના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું, બેટા, હું છઠ્ઠીના દિવસે ભવિષ્યના ચોપડામાં વાંચી ન શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દ લખુ છું, ‘તથાસ્તુ’. બાકીના કોરા પાનામાં શું લખવું છે એ દરેક માણસે પોતે જ નક્કી કરી લેવાનું. હું તો માત્ર એ જે લખશે, એ જ એનું ભવિષ્ય બનશે એવા આશીર્વાદ આપુ છું.
- Advertisement -
અર્થામૃત
જે ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી અને માત્ર હાથપગ જોડી રાખીને અલભ્ય વસ્તુની ઈચ્છા કરે છે; તેને આ લોકમાં મૂઢ બુદ્ધિવાળો કહેવામાં આવે છે.
બોધામૃત
- Advertisement -
ભગવાનના આશીર્વાદ તો જન્મના છઠ્ઠા દિવસથી જ આપણી સાથે છે. આપણે શું જોઇએ છે, એ આપણે જ નક્કી કરવાનું છે. આપણું ભવિષ્ય આપણે જ લખવાનું છે.