રામજન્મભૂમિની ઐતિહાસિક ઘટનામાં રાજકોટના પણ કારસેવકો જોડાયા હતા: રાજકોટ મનપાના દંડક મનિષ રાડીયા, કશ્યપ શુક્લ, પ્રકાશ ટીપરે કારસેવા માટે ગયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખુમાર દેશભરમાં છવાયો છે. સનાતન ગૌરવનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. રામમંદિર માટે સદીઓ સુધી સંઘર્ષ ચાલ્યા બાદ સનાતનનો શંખનાદ થયો છે.
- Advertisement -
રામજન્મભૂમિ વિવાદમાં 1992ની સાલનો ડિસેમ્બર મહિનો નિર્ણાયક સાબિત થયો હતો. લાખો કારસેવકોએ વિવાદી ઢાંચો ધ્વસ્ત કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનામાં રાજકોટમાં કારસેવકો પણ જોડાયા હતા. જેમાં રાજકોટના ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયાએ 6 ડિસેમ્બર 1992ના દિનની સ્મૃતિ તાજી કરતાં રોમાંચક વર્ણન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કારસેવાની હાકલ થતાં રાજકોટથી મનીષભાઈ રાડીયા, ભાજપના વરિષ્ઠ નેતા કશ્યપભાઈ શુક્લ, જગદીશભાઈ છાપિયા, ગૌતમભાઈ શુક્લ, યોગેશભાઈ દવે, જગદીશભાઈ દવે, કાર્તિકભાઈ વગેરે પણ કારસેવક તરીકે અયોધ્યા પહોંચ્યા હતા. મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે ત્યારે મારી ઉંમર 27 વર્ષની હતી. અમે 5મી ડિસેમ્બરે અયોધ્યા પહોંચ્યા હતા. રોમાંચ અને ઉત્સાહ છવાયેલા હતાં દેશભરમાંથી લાખો સેવકો ઉમટ્યા હતા. મનીષભાઈ રાડીયા કહે છે કે અમો અયોધ્યા પહોંચીને વિવાદી ઢાંચાના દર્શન કર્યા. ઘર અને મંદિરમાં ઉતારા અપાયા હતા. 6 ડિસેમ્બરની સવારે વિવાદી ઢાંચા આસપાસ લાખો કારસેવકો પહોંચ્યા હતા. આખું અયોધ્યા કારસેવકોથી છલકતું હતું. અમને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. દીવાલો ઠેકીને અમે બહાર આવ્યા હતા.
- Advertisement -
વિવાદી ઢાંચાના વિસ્તારોમાં બેરીગેટ લગાવ્યા હતા. કારસેવકોના વિરાટ પ્રવાહે બેરીગેટ હટાવીને વિવાદી ઢાંચા તરફ કુચ કરી. ઢાંચા પર રીતસર આક્રમણ થયું અને એક કલાકમાં એ ઢાંચો ઈતિહાસ બની ગયો હતો. રાડીયા કહે છે કે ઢાંચો તૂટ્યાની ક્ષણવારમાં તો કાટમાળ પણ સાફ થઈ ગયો અને રામલલ્લાની સ્થાપના પણ થઈ ગઈ હતી. આ ઐતિહાસિક ઘટનાનો હિસ્સો બન્યાનું ગૌરવ વ્યકત કરતાં મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે એ દિવસે અયોધ્યામાં ઘર-ઘર ઉત્સવ થયો હતો. વળતા અમે રાજકોટ તરફ આવવા ટ્રેનમાં નીકળ્યા પરંતુ અતિ ભીડ હતી. ટ્રેનમાં અન્ય મુસાફરોએ કારસેવકો માટે જગ્યા કરી આપી હતી. ભોપાલમાં કફર્યુના કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. અન્ય મુસાફરોએ કારસેવકોને ભોજન આપવા સહિતની સેવા કરી હતી. મનીષભાઈ રાડીયા અંતમાં કહે છે કે ટ્રેન રાજકોટ આવી ત્યારે જયશ્રી રામના નારા સાથે રેલ્વે સ્ટેશન ગુંજ્યું હતું. રેલ્વે સ્ટેશન પર જ અમારા સન્માન થયા હતા. આ ક્ષણો જીવનની અવિસ્મરણીય બની ગઈ છે.