તા. 22ના રાજકોટમાં ક્ષત્રિય પરિવારો રંગોળી, રોશની દિપથી ઘરો સજાવશે
રામમંદિરોમાં પૂજન-અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન પ્રભુ શ્રી રામના 22 જાન્યુઆરીને આગામી સોમવારે અવધપુરી (અયોધ્યા) ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ-વિદેશમાં વસતા કરોડો હિંદુઓમાં અદમ્ય ઉત્સાહ છે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ માટે અનેરો ઉમંગ છે. આ ઐતિહાસિક, અલભ્ય પળને વધાવવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ક્ષત્રિય કુળમાં અવતરણ ધરીને રામરાજ્યની સ્થાપના કરનારા પ્રભુ શ્રી રામના અયોધ્યાનગરી ખાતેના મંદિરનો વર્ષોથી નહીં પણ દાયકાઓથી ચાલતી ગુંચના અંત સાથે ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. તા. 22 ને સોમવારના રોજ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ ત્રણ માસમાં જ દિવાળી પરત કર્યા જેવો કે એથી પણ વિશેષ હર્ષોલ્લાસ ભર્યો રહેશે.
રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પણ આ શુભદિન, શુભ ઘડીને વધાવવા માટે વિવિધ ધાર્મિકોત્સવરૂપ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજકોટમાં તમામ ક્ષત્રિય પરિવારો દ્વારા તેમના ઘરોમાં રંગોળીઓ કરાશે. રોશનીની સજાવટ સાથે તા. 22ના રોજ દિપ પ્રાગટ્ય સાથે પ્રભુ શ્રી રામના ગુણગાન સાથે આરતી પૂજન-અર્ચન કરાશે.
રાજકોટમાં આવેલા પ્રભુ શ્રી રામના પૌરાણિક મંદિરો ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાઈઓ, યુવાનો પરંપરાગત પોષાકો સાથે જ મંદિરોમાં પૂજન સાથે રામભક્ત એવા પૂજારીઓનું પણ પૂજન કરશે. રામદૂત શ્રી હનુમાનજીના મંદિરોએ જઈને રામધુન, હનુમાનજી દાદાની પૂજા કરાશે. તા. 22ના રોજ અયોધ્યા પછીના બીજા નંબરના મનાતા એવા રતનપર રામ મંદિર ખાતે સમાજ આગેવાનો સાથે 101 યુવાનો કેસરીયા સાફા સાથે જઈને મહાઆરતી કરશે. ક્ષત્રિય પરિવારોએ આગામી સોમવારે લાપસીના આંધણ મૂકી લાપસી અને મગપ્રસાદ લેવા તેમજ શ્રી રામ પ્રભુના મૂર્તિ પ્રતિષ્ઠાના આ અલૌકિક ઉત્સવરૂપે આસપાસના રહેવાસી વિસ્તારોમાં પણ પ્રસાદ વિતરણ તેમજ મોં મીઠા કરાવાશે. આ ઐતિહાસિક દિવસને વધાવવા માટે સૌના શ્રી રામ ભક્તિભાવ સાથે ધર્મભાવના અને એકતાના દર્શન કરાવવા માટે અપીલ કરાઈ છે.
‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે પી. ટી. જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), રાજદીપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દૈપવંતસિંહ જાડેજા, સત્યન્દ્રસિંહ જાડેજા, સતુભા જાડેજા, દિલીપસિંહ ગોહિલ, મનરસિંહ રાણા, જયદેવસિંહ જાજેડા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, રત્નદીપસિંહ જાડેજા, પરાક્રમસિંહ ગોહિલ સહિતના સભ્યો આવ્યા હતા.