ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ, કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે. પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું. ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો છે. હવે 14449 નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. હવે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસની કનડગત હોય તો સીધા 14449 નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ હેલ્પલાઈન નંબર અંગે સોગંધનામું રજૂ કર્યું છે. આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે. નંબર સક્રિય થતાં તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે.