ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.
વહાલી જિંદગી…
તારી પાસે આવું છું ત્યારે તારામાંથી નાગરવેલના પાનની લીલાશ, નમણાશ અને સુગંધમાં ગરકાવ થઈ હું તને ચાવ્યા જ કરું છું. તારું સાંનિધ્ય મારા જીવતરને લાલ લાલ કરી દે છે. તું મને એવી અવસ્થાએ લઈ જાય છે જ્યાં મારા અને તારા હોવાના સેંકડો પૂરાવાઓ વચ્ચે હું સતત આનંદ અનુભવ્યા કરું છું. જિંદગી ! તું મારા હોવાનું અંકુરિત થયેલું બીજ છે. મારે આ બીજની સુગંધમાં ગરકાવ થઈ એનો અઢળક પાક લણવો છે. હું રોજ રાતે સપનુ જોઉં છું કે સવાર પડતાં ઝટપટ ઊઠી જઈ મારાં આસ્થાબીજ પર હું ભરોસાનું પાણી છાંટું. ઝરમર ઝરમર પાણીનો છંટકાવ થતાં જ એ બીજમાંથી એક છોડ વિકસતો જાય છે. એનાં મૂળ આપણાં બન્નેનાં હૃદય સુધી પહોંચી ગયાં છે. શ્રદ્ધાના મૂળને વિકસવા માટે તો પૂર્ણ વિશ્વાસ જોઈએ. હું કયારેય અવિશ્વાસ રાખીને એ મૂળને સૂકાવા નહીં દઉં કેમ કે તું મારા જીવતરનું એકમાત્ર બીજ છે. મારું બીજ સૂકાઈ જશે તો હું સાવ વેરાન બની જઈશ. આપણી આસપાસ રોજ આનંદના નવા નવા વલયો જન્મ્યા કરે છે. આપણી ફરજ એ છે કે એ આનંદને છેક સુધી માણી લેવો. આમ પણ મારે તારાથી ક્યારેય દૂર નથી જવું કારણ કે તું, તારો સહવાસ, તારો સ્પર્શ, તારા શબ્દો, તારી નજર અને તારું આખું અસ્તિત્વ જાણે મારી અંદર ઓતપ્રોત થઈ ગયું છે. જિંદગી! હું એક ફૂગ્ગો છું તો તું એમાં રહેલી હવા છે. ફૂગ્ગો ત્યાં સુધી જ કુતૂહલ જન્માવે જ્યાં સુધી એમાં હવા ભરાયેલી હોય. તારી હાજરી મારા શ્વાસનું સરનામું છે… મારું જીવતા હોવાનું એક માત્ર ઔષધ છે. હું વારંવાર એ ઔષધના ઘૂંટ પીધા કરીશ કારણ કે હું અત્યારે છું એનાથી પણ વધારે સારા બનવું છે. તું પણ જાણે છે કે પ્રેમ તો માણસને માણસપણું પ્રદાન કરી એને લાયક બનાવે. મારે તને ખાતરી અપાવવી છે કે મારામાં જિંદગીનો ધોધ હજુ પણ વહ્યાં કરે છે. તારા બન્ને પગ મારી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. અતિશય ભાવાવેશમાં આવી જાઉં ત્યારે તારા બંને ચરણને હાથમાં લઈ ચૂમવાથી હું મારામાં નવો રણકાર ઊભો કરી લઉં છું. તારી પાસે એ બધું જ છે જે એક ખોટા સિક્કાને પણ બજારમાં ચલાવવા સમર્થ બનાવી શકે, અને એ જ કારણે મને તારા પર વઘુ શ્રદ્ધા દૃઢ બનતી જાય છે. તારા નામનું તાવીજ હૃદય પર બાંધીને હું આ ભવસાગરમાં તરવા નીકળ્યો છું. એ તાવીજની જ તાકાત છે કે આખો સાગર મને શાંત લાગે છે, કોઈ પણ તોફાન નથી વળી, તોફાન આવશે, વમળો ઊભા થશે તો તારા નામના તાવીજની શ્રદ્ધા મને એમાંથી અચૂક ઉગારી લેશે. કેમ કે શ્રદ્ધાને ક્યારેય હાર સહન કરવી પડતી નથી. મારી શ્રદ્ધા મને અને આપણાં પ્રેમને સતત જીવાડતી રહેશે… હું સતત જીવતો રહીશ…
- Advertisement -
તને હંમેશા ચાહતો…
જીવ…
(શીર્ષકપંકિત:- સ્નેહી પરમાર)