વોર્ડ નં. 2, 7 અને 8ના રહેવાસીઓને નવા રોડની સુવિધા મળશે: 3.53 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કરતું મનપા તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની શાન સમાન અને પૂરા નગરના લોકોના પ્રિય એવા રેસકોર્ષ રીંગ રોડને ડામર રી-કાર્પેટ કરવાના મોટા કામનો આજે ગેલેકસી સિનેમા રોડ તરફથી પ્રારંભ થયો છે. દાયકા અગાઉ આ પૂરો રીંગ રોડ નવો બનાવવામાં આવ્યો હતો. તે બાદ વડાપ્રધાન સહિતના વીઆઇપીની મુલાકાત વખતે પેચવર્ક થતા આવ્યા છે, પરંતુ પાંચ કિલોમીટરની લંબાઇમાં પૂરેપૂરૂ નવું ડામર કામ 10 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટના હજારો લોકો જે રસ્તા પર રોજ સવારે નિયમિત મોર્નિંગ વોક માટે જાય છે. રેસકોર્ષ અંદરના ગાર્ડનથી માંડી સ્પોર્ટસ સંકુલોમાં જતા લોકો આ રસ્તેથી પસાર થાય છે. જેને ડામર કાર્પેટથી પૂરેપૂરો મઢવા બજેટમાં જોગવાઇ રાખવામાં આવી હતી અને તે મુજબ સાડા ત્રણ કરોડના ખર્ચે આ કામ શરૂ કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના દંડક મનીષ રાડીયાના વોર્ડ નં.રમાં આજથી શરૂ કરાયેલા કામમાં રસ્તાની લંબાઇ પાંચ કિલોમીટર અને પહોળાઇ 10 કિલોમીટર છે. આ કામ માટે મનપાએ 3.21 કરોડનું ટેન્ડર બહાર પાડયું હતું. જેમાં 9.99 ટકા ઓનથી 3.53 કરોડનો કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવ્યો હતો. રાજચામુંડા ક્ધસ. કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. આ કામ થવાથી રેસકોર્ષ રીંગ રોડ આસપાસના વોર્ડ નં.2, 7 અને 8ના રહેવાસીઓને નવા રોડની સુવિધા મળશે. મોર્નિંગ વોકમાં જતા લોકો, જન્માષ્ટમીના મેળા, દિવાળી કાર્નિવલ આજુબાજુના વિસ્તારના લોકોને આ નવા રોડની ભેટ મળી રહી છે.
આ રેસકોર્ષ રીંગ રોડની લંબાઇ પાંચ કિલોમીટર છે, રસ્તાની પહોળાઇ 10-10 મીટર રહેલી છે. રોડ પર 40 મી.મી. જાડાઇમાં પપ હજાર ચો.મી.નું રી-કાર્પેટ કામ થનાર છે. પ્રથમ વખત આ રેસકોર્ષ રીંગ રોડ પર જયાં જયાં વરસાદી પાણી ભરાય છે ત્યાં 15 હજાર ચો.મી.નું કામ પોલીમરાઇઝ બીટયુમીન પદ્ધતિથી કરવામાં આવશે એટલે કે જિલ્લા પંચાયત ચોકમાં જયાં વરસાદી પાણી ભરાવો થાય છે ત્યાંથી કિસાનપરા ચોક સુધીના રસ્તે આ પદ્ધતિથી રસ્તો ડામર રી-કાર્પેટ કરવામાં આવશે. નવેનવા રોડ પર વરસાદી પાણીના કારણે નુકસાન ન થાય તે માટે થોડો વધુ ખર્ચ કરીને પણ મજબુત ડામર કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ર્ન હળવો થશે. આમ દાયકા બાદ રેસકોર્ષ રીંગ રોડ પુરેપુરો નવા ડામરથી મઢવાના કામના કારણે વાહનચાલકોને પણ રાહત થાય તેમ છે.