રાજકોટના ભક્તિધામ મંદિરમાં 2200 પાસ અપાયા: 8 બહેનોથી શરૂ થયેલા આ સંગઠનમાં ધીરે-ધીરે કરી 37 હજાર બહેનો જોડાઈ ગઈ
દરેક જિલ્લાના વોટ્સએપ ગ્રૂપ બનાવી જિલ્લાને જોડવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યાં હતાં અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37 હજાર આહીરાણીઓ દ્વારા આગામી ડિસેમ્બર માસની 23 તથા 24મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરશે. આટલી વિશાળ સંખ્યામાં આહીરાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે. મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. હાલમાં તેની કામગીરી મહારસ પૂરતી છે. સોશિયલ મીડિયા થકી આ સંગઠનમાં વિશ્વભરમાંથી આહીર બહેનો જોડાઈ છે. 8 બહેનોથી શરૂ થયેલા આ સંગઠનમાં ધીરે-ધીરે કરી 37 હજાર બહેનો જોડાઈ ગઈ. આ સંગઠનમાં કોઈ વ્યક્તિને કોઈ હોદ્દો પણ આપવામાં આવ્યું નથી. અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના અધ્યક્ષસ્થાને ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે.
આહીરાણી મહારાસ યોજવા માટેની શરૂઆત થઈ અને સોશિયલ મીડિયા થકી બહેનો જોડાતાં ગયાં. તેમાં શરૂઆતમાં જામનગર, દ્વારકા અને જૂનાગઠ જિલ્લાની 56 જેટલી બહેનો જોડાઈ હતી. બાદમાં તેમનું અઇઅખજ નામનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. અખીલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દ્વારકા ખાતે 16,108 અહીરાણીઓનો મહારાસ યોજવામાં આવે અને માટે ગુજરાતના તમામ જિલ્લાને જોડવાનું કામ શરૂ કર્યું. દરેક જિલ્લાના વોટ્સએપ ગ્રૂપ બનાવી જિલ્લાને જોડવામાં આવ્યા અને દરેક જિલ્લાએ દરેક તાલુકાનું ગ્રૂપ બનાવી ગામડાની આહીરાણી બહેનોને મહારાસમાં જોડવા માટેનું કાર્ય કર્યું હતું. આમ ધીરે-ધીરે કરતા ગુજરાતના 24 જિલ્લાની બહેનોએ મહારાસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેઓ પણ આગામી 24મી ડિસેમ્બરે દ્વારકા ખાતે મહારાસમાં ભાગ લેવા પહોંચશે. આહીરાણી મહારાસ માટે માત્ર ગજરાત જ નહીં પણ ગુજરાત બહાર મુંબઈ, દિલ્લી, યુ.પી અને બિહાર એમ અનેક રાજ્યની બહેનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત મહારાસ માટે ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશમાં વસેલાં આહીર બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોતજોતામાં 16,108ના લક્ષ્યાંકની સામે 37,000 આહીરાણી બહેનો મહારાસમાં જોડાઈ હતી. આ રીતે સોશિયલ મીડિયા થકી ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા બાદ દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રતિનિધિ તરીકે બહેનોની નિમણૂક કરવામાં આવી હતી. દ્વારકા અને રુક્મિણી મંદિરને જોડતી જગ્યાએ આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. એવી પણ એક વાયકા છે કે ભગવાન સાથે રાસ રમવાની રુક્મિણી માતાજીની પણ ઈચ્છા હતી. બીજી એ પણ વાયકા છે કે દ્વારકાથી રિસાઈને રુક્મિણી માતા અહીં આવ્યાં હતાં. જેથી આ મહારાસ તેના મનમણાં પણ હોઈ શકે છે. આ ઉપરાંત દ્વારકા શહેરમાં આટલું મોટું આયોજન કરવું શક્ય નથી. આ કારણોસર આ સ્થળની મહારસ માટે પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
મહારાસ યોજવાનો વિચાર કઈ રીતે આવ્યો
ભગવાન ગોકુળ-મથુરા છોડીને દ્વારકા આવ્યા ત્યારે સાથે તેમની સંસ્કૃતિ અને રાસ લઈને આવ્યા હતા. તે રાસ અધૂરા રહ્યા હતા. વ્રજના રાસમાં ગોપીઓને અહંકાર આવ્યો અને તે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ભગવાન શિવને પણ રાસ અતિપ્રિય હતા અને તેઓ પણ રાસ જોવા માટે ગયા હતા. નરસિંહ મહેતાએ જ્યારે પ્રભુને પૂછ્યું કે તમને સૌથી વધુ શું પ્રિય છે ત્યારે ભાવનગરના ગોપેશ્વર મંદિરે ભગવાને રાસનાં દર્શન કરાવ્યાં હતાં. ત્યારે વિચાર આવ્યો કે આપણે યાદવ કુળમાંથી છીએ અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ રમ્યા હતા. ત્યારે હવે ફરી દ્વારકાના આંગણે ભગવાન સાથે રાસ રમવા માટેનો વિચાર મૂક્યો હતો. બાદમાં સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી બહેનોને જોડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. ધીરે-ધીરે બહેનો જોડાતી ગઈ અને પવિત્ર વાતાવરણ ઊભું થયું. હાલમાં સોશિયલ મીડિયાના મોબાઈલ યજ્ઞ બની ગયા છે.