મનપાનું 937.07 કરોડનું બજેટ બહુમતીના જોરે મંજુર
શહેરના ઊર્જા વિકાસથી ભરેલું બજેટ: શાસક
- Advertisement -
વિરોધ સાથે મનપાનું બજેટ દિવા સ્વપ્ન જેવું: વિપક્ષ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનું વર્ષ 2024-25નું 937.07 કરોડનું બજેટ મેયર ગીતાબેન પરમારે રજુ કરતા બહુમતીના જોરે મંજુર થયું હતું જયારે આ બજેટને વિપક્ષે નકાર્યું હતું અને પ્રજાલક્ષી બજેટ નહિ હોવાનું કહી વિરોધ સાથે શાશક પક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા જયારે આ બજેટમાં વોકળા દબાણ તેમજ મનપામાં કામ કરવાની પદ્ધતિ સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી ત્યારે આ મનપાનું બજેટ છેલ્લું હોઈ શકે કારણકે 2025માં ચૂંટણી આવી રહી છે. મનપાનું નાણાંકીય વર્ષ-2024-25નું બજેટ બહુમતિના જોરે ભાજપે મંજૂર કર્યુ હતુ. જેમાં અંદાજે 937.07 કરોડ અને ખર્ચનો અંદાજ 937.04 કરોડ અને વર્ષની પૂરાંત સિલક રૂા.3 લાખ દર્શાવતુ બજેટ રજુ કર્યુ હતુ. જેમાં શાસક પક્ષે શહેરનાં વિકાસ કાર્યોનું બજેટ હોવાનો દાવો કર્યો હતો. જેમાં સોલાર રૂફટોપ, ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન શહેરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો, ઓવરબ્રીજ નિર્માણ, સીટી-ઇ સબ સેવા, વોટર હારર્વેસટીંગ, વૃક્ષારોણ યોજના સાથે સ્વચ્છતામાં વધારો કરી શહેરનો ખુબ જ સારો વિકાસ થશે તેવા ગુણગાન સાથે બજેટ રજૂ કર્યાનો દાવો કર્યો હતો
. જયારે જૂનાગઢ મનપા દ્વારા બજેટ મંજૂર કર્યુ તેનો વિપક્ષે વિરોધ કરીને અનેક સવાલો ઉભા કર્યા હતા. જેમાં ન્યુત્તમ વેરાને બદલે ન્યુત્તમ સેવા વાળા આ બજેટમાં દિવા સ્વપ્ન બજેટને ગણાવ્યુ હતુ. ત્યારે શહેરીજનો અને સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીની જેટલી સુવિધા જોઇતી હોય તેટલી સુવિધા નથી મળતી. કરકસરના નામે તાઇફાઓ કરવામાં આવે છે. દિવસમાં બે વાર સફાઇ કરવાના દાવા સામે માત્ર એક વાર પણ સફાઇ થતી નથી. તેથી સફાઇ વેરો વસુલ ન કરવો જોઇએ. તેમજ દરરોજ પીવાનું પાણી આવતુ નથી. તેથી પાણીવેરો પણ ન ઉઘરાવો જોઇએ. જયારે શહેરમાં જોષીપરા વિસ્તારની પ્રજા ફાટકથી પરેશાન છે ત્યારે જોષીપરા રેલવે ફાટક ઓવરબ્રીજના કોઇ ઠેકાણા નથી. તેની સાથે વિલીગ્ડન ડેમના વિકાસ માટે દર વર્ષે બજેટમાં દાવાઓ કરવામાં આવે છે. પણ હજુ સુધી નકકર કામગીરી થઇ નથી. તેની સાથે રમત-ગમત ગ્રાઉન્ડ નથી અને સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડની હાલત પણ બત્તર થઇ ગઇ છે. તેમજ ભુગર્ભ ગટરનું કોઇ ઠેકાણુ નથી. આવા અનેક સવાલો સાથે વિપક્ષે પહેલા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપો ત્યાર બાદ શહેરીજનો પાસેથી વેરા વસુલો તેવી વાત સાથે વિપક્ષે બજેટનો વિરોધ કર્યો હતો અને શાસક પક્ષે બહુમતિના જોરે બજેટ મંજૂર કર્યુ હતુ.
- Advertisement -
નલ સે જલ યોજનાના ઠેકાણા નથી ?
જૂનાગઢ મનપાના બજેટ મંજૂર કરતા જેમાં નલ સે જલ યોજનાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. જેમાં 2019-20માં દરરોજ પાણી વિતરણની વ્યવસ્થા કરી પાણી વેરો 700માંથી 1200 કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક વિસ્તારોમાં ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. હજુ 450 કિ.મી. પાણીની લાઇન નાખવાની હજુ બાકી છે અને શુઘ્ધ અને નિયમીત પાણી વિતરણ થયા પછી જ વેરો વસુલવો જોઇએ. ત્યારે હાલ જે વેરો વસુલવામાં આવે છે પણ તેની સુવિધા પ્રજા સુધી પહોંચતી નથી અનેક કામો અધુરા હોવા છતા વેરો વસુલીને પ્રજાના લાખો કરોડો રૂપિયા ટેક્સથી વસુલાય છે તે વ્યાજબી નથી તેવા વિપક્ષે અણીયારા સવાલો કર્યા હતા.