બ્લુડાર્ટ કુરિયરના કર્મચારીની ખોટી ઓળખ આપીને
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં વધુ એક દંપતી સાથે ઓનલાઈન ફ્રોડ થયાની ઘટના સામે આવી છે જેમાં ભેજાબાજોએ નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં મોકલી ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવીને 90 હજારથી વધુનો ધુંબો માર્યો હતો જેથી છેતરપિંડીનો ભોગ બનનાર યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મોરબીના એસપી રોડ પર આવેલ આઈકોન રેસીડેન્સીમાં રહેતા મનોજભાઇ રામજીભાઈ (ઉં. વ. 37) એ ટ્રાન્જેકશન લીંક મોકલનાર બે મોબાઇલ નંબર ધરાવતા ઈસમ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 25 જૂનના રોજ મોરબી રવાપર ઘુનડા રોડ, વૈદહી પ્લાઝા ખાતે ફરીયાદીની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય જેના ડોકો નંબર ફરીયાદી ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમાં આવેલ નંબર મળતા તે નંબરમાં વાત કરતા પોતે બ્લુડાર્ટ કુરિયરમાંથી બોલતો હોવાની ઓળખ આપી ફરીયાદીને લીંક મોકલી હતી તેમાથી ઓનલાઇન રૂપીયા-બેનુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ફરીયાદીના ખાતાના યુપીઆઈ તથા ફરિયાદીની પત્નીના એકાઉન્ટના યુપીઆઈ મારફતે રૂપીયા બેનુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂ. 34,915 તથા એચડીએફસી બેંકના ખાતામાંથી રૂ. 10,000 મળી કુલ રૂ. 44,915 તથા તથા ફરિયાદીની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂ. 45,397 મળી કુલ રૂપિયા 90,312 નું ઓનલાઇન ફ્રોડ કર્યું હતું. આ ઉપરાંત ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રિચાર્જના રૂપીયા 35,397 ફરીયાદીના પત્નીના ખાતામાં પાછા જમા થઈ ગયા હતા. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ફરીયાદી તથા ફરીયાદીના પત્નીના ખાતામાંથી રૂપિયા 90,312 ની ઓનલાઈન છેતરપીંડી કરી હતી જેથી આ ફ્રોડ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.