કડકડતી ઠંડીમાં 2 કિલોમીટર દરિયો તરી મેડલ જીત્યા: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું અખિલનું લક્ષ્ય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
ઝાલાવાડના રત્નોની અનોખી સિદ્ધિ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા અને નીલકંઠ સ્કૂલમાં અભ્યાસ કરતા 9 વર્ષના અખિલ અમિતભાઈ ડાભી અને તેની 19 વર્ષીય બહેન સૃષ્ટિ ડાભીએ દરિયાઈ સ્વીમિંગમાં અદભૂત સફળતા મેળવી છે. પોરબંદર ખાતે ઓલ ઇન્ડિયા સી સ્વીમીંગ ક્લબ દ્વારા આયોજિત 2 કિલોમીટરની સ્પર્ધામાં આ બંને ભાઈ-બહેને ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધામાં અખિલે ઓલ ઇન્ડિયામાં 31મો અને સૃષ્ટિએ 16મો રેન્ક મેળવી મેડલ પ્રાપ્ત કર્યા છે.
દાદાના માર્ગદર્શન હેઠળ કઠિન તાલીમ સ્વીમિંગ કોચ અને અખિલના દાદા હિંમતભાઈ ડાભી જણાવે છે કે, સ્વીમિંગ પૂલ કરતાં દરિયામાં તરવું બમણો સ્ટેમિના માંગી લે છે. અખિલે 2000 મીટરનું અંતર માત્ર 1 કલાકમાં પૂરું કરી સૌને આશ્ચર્યચકિત કર્યા છે. આ સિદ્ધિ મેળવવા માટે તે દરરોજ 2 થી 3 કલાક સખત પ્રેક્ટિસ કરે છે. દરિયાના મોજાં, પ્રદૂષણ અને જીવજંતુઓ વચ્ચે આટલી નાની ઉંમરે દરિયો સર કરવો એ ઝાલાવાડના ઇતિહાસની પ્રથમ ઘટના છે. ઓલિમ્પિકનું સપનું સૃષ્ટિ ડાભીએ ગર્વ સાથે જણાવ્યું કે, શિયાળાની કાતિલ ઠંડીમાં પણ અખિલ પોતાની પ્રેક્ટિસ ચૂકતો નથી. તેનું એકમાત્ર સપનું ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને સુરેન્દ્રનગરનું નામ આખા વિશ્વમાં રોશન કરવાનું છે. ભાઈ-બહેનની આ સિદ્ધિથી સમગ્ર ડાભી પરિવાર અને સુરેન્દ્રનગર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



