ઉપરવાસના ભારે વરસાદને પગલે ડેમની સપાટી વધતાં નર્મદામાં પાણી છોડાયું: ઓવરફ્લોથી 3.65 મીટર જ દૂર
નીચાણવાળા અને કાંઠાનાં ગામો એલર્ટ કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજપીપળા, તા.24
- Advertisement -
ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમના 13 દિવસમાં ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્ર્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી 23 તારીખના રોજ 9 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા હતા. હાલ ડેમની સપાટી 135.03 છે, જેની મહત્તમ સપાટી 138.68થી 3.65 મીટર દૂર છે. એને કારણે બંધના નીચલા વિસ્તારમાં 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
ઉપરવાસમાંથી પડી રહેલા સતત વરસાદને પગલે ડેમની સપાટીમા સતત વધારો થતો જઈ રહ્યો છે, જેના પગલે ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 1 લાખ 17 હજાર 291 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લોથી માત્ર 3.65 મીટર જ દૂર છે. વધુમાં નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં 6 મશીન અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય એ માટે જરૂરી સુરક્ષાનાં પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે. અસરગ્રસ્ત કરતાં નીચાણવાળા અને કાંઠાનાં ગામો એલર્ટ કરાયાં છે, જેમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરુડેશ્ર્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્ર્વર, સુરજવડ, ગોરા, ગરુડેશ્ર્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
તહેવાર ટાણે જ મેઘરાજાની તડાફડી
- Advertisement -
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વર્ષા, પારડીના વાંકી નદીના પુલ પર કાર તણાઈ: ચાલકનો ચમત્કારિક બચાવ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સવારે 6 થી બપોર 12 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતી વાંકી નદીના પુલ પરથી એક કાર તણાઈ હતી. જેમાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલ ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા નયનરમ્ય દૃશ્ર્યો સર્જાયા હતા. હાલ ડેમની સપાટી 335 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના ભોમા પારડીથી કાંજણ-રણછોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ હતી. જોકે, સદનસીબે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. ઉપરવાસમાંથી પાણી છોડાતા માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.