અદાણી ગ્રુપના શેરોમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન પ્રચંડ ધોરણ બાદ માર્કેટકેપમાં જંગી ધોવાણ થયુ છે. માર્કેટકેપમાં રિલાયન્સ તથા ટીસીએસ જેવી કંપનીઓ અદાણીથી આગળ નિકળી ગઈ છે.
અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 9.11 લાખ કરોડનું ધોવાણ થતા હવે 10.09 લાખ કરોડની રહી ગઈ છે. 24મી જાન્યુઆરીએ તે 19.20 લાખ કરોડની હતી. 1.80 લાખ કરોડ સાથે અદાણી એન્ટરપ્રાઈઝ સૌથી મોટી કંપની છે.
- Advertisement -
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ 15.75 લાખ કરોડ તથા ટીસીએસનું 12.74 લાખ કરોડ છે તેના કરતા પણ અદાણીનું માર્કેટકેપ નીચે આવી ગયું છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર નીચામાં 1017 તથા ઉંચામાં 1680ની અભૂતપૂર્વ ઉથલપાથલ વચ્ચે 1584 બંધ આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં અદાણી ગ્રુપના શેરોમાં 58 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર સપ્તાહમાં 54 ટકા, અદાણી પોર્ટ 34 ટકા, અદાણી ટ્રાન્સમીશન 49 ટકા, અદાણી ગ્રીન એનર્જી 58 ટકા તૂટયા હતા. શેરબજારમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ વર્ષો સુધી રીલાયન્સનું રાજ હતું ત્યારબાદ ટાટા ગ્રુપની ટીસીએસનો પણ દબદબો હતો પરંતુ છેલ્લા ત્રણેક વર્ષમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં અભૂતપૂર્વ ઉછાળાથી તે નંબર વન થઈ ગયું હતું.
કંપની જુથના વડા ગૌતમ અદાણી ભારત-એશિયાના નંબર વન, ધનપતિ બની ગયા હતા એટલું જ નહીં વિશ્વના સૌથી ધનવાનોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા હતા. છેલ્લા દસ જ દિવસમાં સમગ્ર ચિત્ર પલ્ટાઈ ગયુ છે.