ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોના વિકાસમાં ઐતિહાસિક પગલાં
તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા સરકારનો મક્કમ નિર્ધાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આંગણવાડી માત્ર ભણતરનું કેન્દ્ર નથી પરંતુ બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોને અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ કરવા માટે ઐતિહાસિક પ્રયત્નો હાથ ધરાયા છે.
છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ રાજ્યમાં કુલ 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, માત્ર ત્રણ મહિનાના ગાળામાં 505 નવા આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત તથા 357 કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા છે. અગાઉ એક વર્ષમાં સરેરાશ 300 કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ થતું હતું, જેની સામે સરકારના સતત મોનીટરીંગ અને દૃઢ સંકલ્પના કારણે બાંધકામની ગતિ વધુ તીવ્ર બની છે.
આ નવા આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તથા શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ પ્રયત્નો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સાથે જોડતી મજબૂત કડી પુરું પાડશે. સાથે જ મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણમાં પણ તેનો ફાળો નોંધપાત્ર બનશે.
મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે નવા મકાનો તૈયાર થશે અને રાજ્યના દરેક બાળકને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે.
- Advertisement -
ત્રણ મહિનામાં 862 નવા આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
505 ખાતમુહૂર્ત અને 357 લોકાર્પણ પૂર્ણ
પહેલા એક વર્ષમાં સરેરાશ 300 કેન્દ્રોનું બાંધકામ, હવે ઝડપ વધી
શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ અને શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ
બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર