ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામોને નિયત ફી ભરીને રેગ્યુલર કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટે આગામી રવિવાર તા.17 ડિસેમ્બરે છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરમાં આ યોજનાનો લાભ લેવા માટે શહેરીજનો ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમોથી અરજીઓ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ઓનલાઈન અને ઓફ્લાઈન મળીને 8304 અરજીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ઈમ્પેક્ટ ફી અંતર્ગત અરજી કરવા ઓનલાઈન અને ઓફ્લાઈન બંને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં 4642 અરજી ઓનલાઈન અને 3661 અરજી ઓફ્લાઈન મળી છે. જે પૈકી ઓનલાઈનમાંથી 1003 અને ઓફલાઈનમાંથી 1213 અરજી મંજૂર કરવામાં આવી છે. જયારે ઓનલાઈનમાં 47 અને ઓફ્લાઈનમાં 28 અરજી નામંજૂર કરવામાં આવી છે. જોકે, ઓનલાઈન આવેલી 3155 અને ઓફલાઈન આવેલી 2924 અરજીઓની ચકાસણી થઈ રહી છે. આ યોજનાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર ને રવિવારે હોવાથી અંતિમ દિવસે પણ લોકો ઓનલાઈન અરજી કરી શકશે.
રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ જોઈએ તો સૌથી વધુ વોર્ડ નંબર-8 અને વોર્ડ નંબર-11માં 745-745 અરજી મળી છે. બંને વોર્ડમાં અમીન માર્ગ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના પોર્સ એરિયા આવતા હોય ત્યાં વધુ અરજી થઇ છે. જયારે અન્ય વોર્ડની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો વોર્ડ નંબર-1માં 542, વોર્ડ નંબર-2માં 568, વોર્ડ નંબર-3માં 561, વોર્ડ નંબર-4માં 331, વોર્ડ નંબર-5માં 342, વોર્ડ નંબર-6માં 161, વોર્ડ નંબર-7માં 581, વોર્ડ નંબર-9માં 679, વોર્ડ નંબર-10માં 730, વોર્ડ નંબર-12માં 536, વોર્ડ નંબર-13માં 432, વોર્ડ નંબર-14માં 349, વોર્ડ નંબર-15માં 109, વોર્ડ નંબર-16માં 162, વોર્ડ નંબર-17માં 222 અને વોર્ડ નંબર-18માં 510 અરજીઓ થયાનું સામે આવ્યું છે. અક્ષે ઉલ્લેખનીય છે કે, અનધિકૃત બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલર કરવાની યોજનાની અરજીઓ રવિવાર સુધી સ્વીકારવામાં આવશે. અને મોટાભાગે લોકો ઓનલાઈન અરજી કરતા હોય છે. રવિવાર સુધીમાં આ આંકડો 10 હજારને પાર થવાની પૂરતી શક્યતા છે. જોકે આ અરજીઓને સ્થળ તપાસ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે. જેથી ભવિષ્યમાં જોખમ હોય તેવા બાંધકામોને મંજૂરી મળે નહીં. ત્યારે મ્યુનિના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં તે જરૂરી છે.