14મી નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ વિડંબના એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં 82 ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. 76 ટકા બાળકો સોશિયલ મીડિયા અને 57 ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં 14થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ અને 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ જોવા મળ્યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્ક્રીન પર આવી ગયા છે.
બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ
- Advertisement -
શહેરોની શાળાઓમાં તો મેદાનોનો પ્રશ્ન છે જ પરંતુ ગુજરાતની 53851 માન્ય શાળાઓમાંથી 6332 શાળાઓ એવી છે, જ્યાં રમતના મેદાન નથી. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુલ 33000 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 5000 શાળાઓમાં રમતના મેદાનો નથી. જ્યારે 12700 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 78 સરકારી શાળાઓ, 315 ગ્રાન્ટ ઈન એઈડ દ્વારા ચાલતી શાળાઓ અને 255 જેટલી પ્રાઈવેટ શાળામાં પણ મેદાનનું નામો નિશાન નથી. બીજી તરફ મેદાનો છે ત્યાં પણ ગ્રામીણ શાળાઓમાં બાળકો અત્યારથી જ મોબાઈલ સ્ક્રીનના આદતી બની ગયા છે. દરેક બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ છે. માત્ર એટલું જ નહીં પરંતુ 2010 પછી જન્મેલા બાળકોમાં તો રમાડવા માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ બાળકો શારીરિક રીતે નબળા છે.
એનાથી પણ ખરાબ દશા 2019 પછી કોવિડમાં જન્મેલા બાળકોની છે. જેમને રમતના મેદાનના બદલે મોબાઈલના સ્ક્રીન જ નસીબમાં મળ્યા છે અને આગામી સમયમાં મોટી સંખ્યામાં આ બાળકો સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ તો બની રહ્યા છે. પરંતુ શારીરિક રીતે મજબૂત નથી. વધુમાં 255 શાળાઓ એવી છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે અને તેની નીચે પાનના ગલ્લાઓ અને અન્ય પ્રકારના કોમર્શિયલ સ્થળોમાંથી પસાર થઈને બાળક ભણવા આવે છે અને ઘરે જાય છે. આનો અર્થ એ નથી કે બાકીની 47519 શાળાઓને મેદાનો છે.




