કુદરતી આપતિઓનો સામનો કરવા કેન્દ્ર સજ્જ: ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાથી થનારી અસર અને તેનો સામનો કરવા અંગેની તૈયારી અને વધુ વ્યુહરચના નકકી કરવા એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તેમણે રૂા.8000 કરોડની જંગી રકમને આવરી લેતી ત્રણ યોજનાઓ જાહેર કરી છે.
- Advertisement -
જેમાં તમામ રાજયોમાં ફાયરબ્રિગેડની સેવાઓના આધુનિકીકરણ, સાત મોટા શહેરોમાં પુર સંચાલન અને 17 રાજયોમાં ભેખડો ધસી પડવાની ઘટનાને અટકાવવાનો સમાવેશ થાય છે. રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોના હોનારત સંચાલનના મંત્રીઓની એક મીટીંગને સંબોધતાં શાહે અપીલ કરી હતી કે દેશમાં કયાંય પણ કુદરતી હોનારત થાય તો તેમાં કોઈનું મૃત્યુ ન થવું જોઈએ. ‘ફાયર બ્રિગેડ સેવાના આધુનિકરણ અને વિસ્તરણ માટે તમામ રાજયોને આશરે રૂા.500 કરોડની સહાય અપાશે.
અમે વિસ્તૃત યોજના તૈયાર કરી છે અને એ તેમને મોકલવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પુરના ખતરાને ઘટાડવા માટે સાત મોટા શહેરો-મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લુરુ, અમદાવાદ, હૈદરાબાદ અને પુણેને રૂા.2500 કરોડ આપવામાં આવશે. 17 રાજયોમાં ભેખડ ધસી પડવાની ઘટનાને પહોંચી વળવા માટે આશરે રૂા.825 કરોડ ફાળવવામાં આવશે.’ શાહે કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ પરમાણુ સ્ટેશનો બાંધવામાં આવી રહ્યા છે તે સાત રાજયોની મુલાકાત લીધી છે અને કોઈ સંભવિત હોનારત ન સર્જાય તે માટે આ રાજયોને આકરા પ્રોટોકોલનું પાલન કરવું પડશે.