મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની મુખ્યમંત્રીની પહેલને સાંપડી રહેલું જોરદાર સમર્થન
રાજકોટ : ‘‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’’ અન્વયે માર્ચ-૨૦૨૧થી જુલાઇ-૨૦૨૧ માસ દરમ્યાન રાજકોટ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં નવા ૪૨ સ્વસહાય જૂથો બન્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયની મહિલાઓનું સશક્તિકરણ કરવાના આશયથી ‘‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’’ અમલી બનાવાઇ છે, જેમાં ૧૦ મહિલાઓ એક સ્વસહાય જૂથ બનાવે તેને રાજય સરકાર દ્વારા રૂ. ૧ લાખની વગર વ્યાજની લોન આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ૭, વીંછીયા તાલુકામાં ૮, લોધિકા તાલુકામાં ૧૫, જેતપુર તાલુકામાં ૮, પડધરી તાલુકામાં ૨૦, જસદણ તાલુકામાં ૪૩, ઉપલેટા તાલુકામાં ૨૨, ગોંડલ તાલુકામાં ૭૫, કોટડાસાંગાણી તાલુકામાં ૪૫ અને ધોરાજી તાલુકામાં ૭૪ સ્વસહાય જૂથો મળી કુલ ૧૦ તાલુકાઓમાં ૭૪ નવા સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલા ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વસહાય જૂથોને આર્થિક સહાયના ચેકોનું પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.