જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો, તબિયત સ્થિર: રાજકોટમાં 7નાં મોત, 22 વર્ષનો યુવાન ઢળી પડતાં મોત, બે દિવસ પછી લગ્ન હતા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં હાર્ટ-એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 8 વ્યક્તિને હાર્ટ-એટેક આવ્યા છે, જેમાં જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમની તબિયત હાલ સ્થિર છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 7નાં હાર્ટ-એટેકથી મોત થયાં છે, જેમાં એક તો 22 વર્ષના યુવકનું હૃદય બંધ પડતાં ઢળી પડ્યો હતો અને મોત થયું છે. કરુણતા તો એ વાતની છે કે આ યુવકના બે દિવસ પછી એટલે કે શનિવારે લગ્ન હતા.
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ-એટેકના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે, એમાં પણ યુવાવયે હાર્ટ-એટેકથી મૃત્યુ થવું એ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. ગઈકાલે બે યુવાન અને ત્રણ પ્રૌઢના હાર્ટ-એટેકથી મોત થયા બાદ આજે વધુ એક યુવાન અને મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પ્રૌઢ કેદીનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. એમાં પણ કરુણાંતિકા એ છે કે જે 22 વર્ષીય યુવાનનું હાર્ટ-એટેકથી મોત નીપજ્યું, તે અજય સોલંકીના બે દિવસ પછી લગ્ન હતા અને લગ્નના બે દિવસ પૂર્વે યુવાનનું હાર્ટ-એટેકથી મોત નીપજતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.
રાજકોટ શહેરના પોપટપરામાં રહેતો અને કારખાનામાં કામ કરતો અજય રામજીભાઈ સોલંકી ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ યુવાનના મોતનું પ્રાથમિક તારણ હાર્ટ-એટેકથી થયાનું જાહેર કર્યું હતું.
જ્યારે બીજા બનાવમા રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીનું પણ હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. જેલમાં બંધ અંજારના કેદી હરિ લોચાણી (ઉં.વ.55)નું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ થતાં પ્રદ્યુમ્નનગર પોલીસ ટીમ સ્થળ પર પહોંચી મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
અન્ય એક બનાવમાં શહેરનાં લોહાનગરમાં 43 વર્ષીય મહિલાનું હૃદય બેસી જતાં મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ લોહાનગર જીઆઈડીસીમાં રહેતાં 43 વર્ષીય સોનલબેન મનોજભાઈ ડેકિવાડિયા ગત રાત્રિના પોતાના ઘરે હતાં ત્યારે 11 વાગ્યે અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયાં હતાં.
- Advertisement -