રાજકોટ શહેર એસઓજીનો સતત ત્રીજા દિવસે સફળ દરોડો
ડ્રગ્સના રવાડે ચડી ગયા બાદ ત્રણેક વખત મુંબઈ ટ્રિપ મારી લાવ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માદક પદાર્થના વેચાણ અટકાવવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે સતત ત્રીજા દિવસે સફળ દરોડો પાડી ખોડિયારનગરના શખ્સને 80 હજારની કિંમતના 8 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં અગાઉ નશો કરવાની ટેવ હોય કેટલાક સમયથી મુંબઇથી માદક પદાર્થ લઇ આવી છૂટક વેચતો હોવાનું અને અગાઉ પણ ત્રણેક વાર ટ્રિપ મારી હોવાનું રટણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના સોરઠિયા વાડી પાસેના પવન પુત્ર ચોક પાસે માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતી આધારે પીઆઇ એસ.એમ. જાડેજાની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ શખસને અટકાવી તેની પૂછતાછ કરતાં તે ખોડિયારનગરમાં રહેતો.
મનોજ રામદાસભાઇ દેસાણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થ મળી આવતા પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતા શખ્સ પાસેથી મળી આવેલ મેફેડ્રોન હોવાનું બહાર આવતા પોલીસે તેની પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતનું 8 ગ્રામ મેફેડ્રોન કબજે કરી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ભક્તિનગર પીઆઇ મયુરસિંહ સરવૈયા સહિતના સ્ટાફે બે મોબાઇલ, માદક પદાર્થ, રોકડ સહિત 90 હજારની મતા કબજે કરી તેની પૂછતાછ કરતાં અગાઉ નશાની આદત હોય અને મુંબઇથી મેફેડ્રોન લઇ આવી છૂટક પડીકીઓ બનાવી વેચાણ કરતો અને અગાઉ પણ ત્રણેક વખત માદક પદાર્થની ટ્રિપ કરી હોવાનું રટણ કરતાં વધુ પૂછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.