ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનાં 76મા વન મહોત્સવની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વૃક્ષો વાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ બનાવવા અપીલ કરી હતી. આપણે વન મહોત્સવનો વારસો જાળવી વૃક્ષો વાવી રહ્યાં છે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતુ. વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે. દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, તેમ મેયરએ અપીલ કરતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યા છે.



