સિવીલ હોસ્પિટલનો 11નો સ્ટાફ પણ કોરોના સંક્રમિત
રવિવારે જિલ્લામાં 117 કેસ નોંધાયા, સામે સાજા થનારની સંખ્યા વધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં રવિવારે રાહતના સમાચાર એ રહ્યા છે કે, કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. સામે સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી છે. દરમિયાન કોરોનાની ત્રીજી લહેરમાં 76 પોલીસ કર્મીઓ તેમજ સિવીલ હોસ્પિટલનો 11નો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે.
શનિવારે જૂનાગઢ જિલ્લામાં 156ને કોરોના પોઝિટીવ આવ્યો હતો સામે 108 દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ હતી. દરમિયાન રવિવારે કેસમાં ઘટાડો થવા સામે સાજા થનારની સંખ્યા વધી હતી. રવિવારે 117 કેસ નોંધાયા હતા. આમ, શનિવાર કરતા રવિવારે 39 કેસ ઘટયા હતા. રવિવારે જૂનાગઢ જિલ્લામાં આવેલ કેસમાં જૂનાગઢ સિટીમાં 80 કેસ, જ્યારે માણાવદર તાલુકામાં 12, વિસાવદર તાલુકામાં 13, જૂનાગઢ તાલુકામાં 6, કેશોદ તાલુકામાં 3, વંથલી તાલુકામાં 2 અને માળીયા હાટીના તાલુકામાં 1 કેસનો સમાવેશ થયો છેે. જ્યારે કુલ 124 દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ છે.