ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે પણ હિરણ -1 અને હિરણ -2 ડેમમાં પુરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને ઉનાળું પિયત માટે ડેમમાંથી પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી એ.પી.કાલસરિયાએ માહિતી આપતા જણાવેલ કે, હિરણ -1 કમલેશ્વર ડેમ 100 ટકા સપાટીએ સંપૂર્ણ ભરાયેલ છે.જેમાંથી ખેડૂતોને 6 વખત પાણી આપવામાં આવશે જેનાથી 100 ગામોને તેનો લાભ મળશે. જ્યારે હિરણ -2 ઉમરેઠી ડેમ 94 ટકા સપાટીએ ભરાયેલ છે. જેમાંથી 8 વખત પાણી આપવાનો નિર્ણય કરાયો છે.જેનાથી 23 ગામોને તેનો લાભ મળશે. હિરણ -1 કમલેશ્વર ડેમમાંથી 20 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ સુધી જ્યારે હિરણ -2 (ઉમરેઠી) ડેમમાંથી 15 જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધી તબક્કાવાર પાણી આપવામાં આવશે. હિરણ – 1 કમલેશ્વર ડેમમાંથી માત્ર સિંચાઇ માટે જ પાણી આપવા આવે છે જે સંપૂર્ણ 94 ટકા ભરેલ હોવાથી તેમાં આખું વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હિરણ -2 ઉમરેઠી ડેમ જે વેરાવળ સહિત 52 ગામો, આસપાસના ઉદ્યોગો અને સોમનાથ ટ્રસ્ટને પાણી પૂરું પાડે છે. તેમાં સિંચાઇ માટે પાણી આપ્યા બાદ જો પાલિકા સમયસર પંપીંગ કરતી રહે તો આગામી ઓગષ્ટ સુધી ચાલે તેટલો પીવાનો પાણીનો જથ્થો છે. ઉપરાંત આ ડેમમાંથી ઓવરફ્લો થતું પાણી પણ ખેડૂતોને મળી રહે તેવા આયોજન સાથે 1 મહિના વહેલું સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેરાવળ અને તાલાલા તાલુકાની 7500 હેકટરને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે



