પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ અને એક ભારત અને શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આ રાષ્ટ્રીય મેળામાં નિ:શુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે. 1 એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુર જવા માટે આ બસો ઉપડશે. રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10 બસો, ગોંડલ પ્રાંતને 14 બસો, જેતપુર પ્રાંતને 18 બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે. મેળામાં જવા માટે અત્યાર સુધીમાં 1439 જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોન મંદિર, મુરલી મનોહર મંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટે ઉત્સુક છે. આ માટે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાઓના અગ્રણીઓએ આ રાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો.
રાજકોટ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે પરિવહન માટે 70 બસ ફાળવાઈ
Follow US
Find US on Social Medias