અલગ-અલગ કારણોનસર 2016થી 22ના સમયગાળામાં 97 લોકોએ લોકઅપમાં જ જીવ ગુમાવ્યો
2020થી 22 સુધી ગુજરાત આખાય દેશમાં કસ્ટોડિયલ ટોર્ચરમાં નંબર 1
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં 2016થી 2022ના ગાળામાં એટલે કે સાત વર્ષમાં કુલ 97 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ 97 કેસમાંથી એકેયમાં ના તો કોઈ પોલીસકર્મીને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે કે ના કોઈને સજા થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના રિપોર્ટ અનુસાર 2020થી 22ના સમયગાળામાં ગુજરાત આખાય દેશમાં કસ્ટોડિયલ ટોર્ચરમાં નંબર-1 હતું.
કસ્ટોડિયલ ડેથના ઘણા કેસમાં તો આરોપીના રિમાન્ડ મળે તે પહેલા જ તેમનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાની પણ ઘટના બની છે.
2022ના વર્ષમાં રાજ્યમાં 14 લોકોએ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવ્યો હતો, જેમના પોલીસને રિમાન્ડ પણ નહોતા મળ્યા. આ 14 કેસમાંથી 10માં મેજિસ્ટેરિયલ અને 4 કેસમાં જ્યુડિશિયલ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં એફઆઈઆર નહોતી નોંધાઈ અને ના તો એકેય પોલીસકર્મીને આરોપી બનાવાયો હતો.
2016-21ના ગાળામાં ગુજરાતમાં 83 કસ્ટોડિયલ ડેથ થયા હતા, અને આ આરોપી ધરપકડના 24 કલાકની અંદર-અંદર જ મોતને ભેટ્યા હતા.
જોકે, 83 કસ્ડોડિયલ ડેથમાંથી માત્ર 42 કેસમા જ મેજિસ્ટેરિયલ ઈન્કવાયરીનો આદેશ અપાયો હતો, જ્યારે અમુક કેસમાં મૃતકના પરિવારજનોએ કોર્ટમાં કેસ કરતાં 26 મામલામાં જ્યુડિશિયલ ઈન્કવાયરી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ એફઆઈઆર માત્ર 15 જ કેસમાં થઈ હતી અને તેમાંય ચાર્જશીટ તો ફક્ત આઠ જ કેસમાં થઈ હતી અને તેમાંથી એકેય કેસમાં હજુ સુધી કોઈ પોલીસકર્મીને કસૂરવાર ઠેરવવામાં નથી આવ્યા.
ગુજરાતમાં 7 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 97ના મોત થયા
