મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના
મતદાન કરીને આવનારને વળતર યોજનાનો લાભ મળશે
- Advertisement -
ગોંડલ, પડધરીના વેપારી અને મવડીના રેસ્ટોરન્ટ સંચાલકે વળતર યોજનાની સહમતી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
લોકસભા ચૂંટણી અન્વયે તા. 7 મે ના રોજ મતદાન કરનાર મતદાતાઓને ઠેર-ઠેર ખરીદી પર છૂટ આપવા અનેક શોપ હાલ આગળ આવી રહી છે. જેમાં પડધરીમાં આવેલ નેત્રમાર્ટ મોલમાં ઘરવખરીની ખરીદીમાં મતદાન કરી આવનાર વ્યક્તિને એમ.આર.પી. પર 7 ટકા થી શરૂ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓમાં 50% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગોંડલની શ્રી સાઈ બાબા પ્રોવિઝન સ્ટોર પરથી ખરીદીમાં 7 ટકા વળતર આપવામાં આવશે. જયારે મવડી પાળ રોડ પર આવેલ એમ.એસ. મૈસુર ઢોસા રેસ્ટોરમાં મતદાન કરનારને 10 ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મતદાતાઓ મતદાન કરી દેશના ઘડતરમાં અહેમ રોલ ભજવી રહ્યા હોઈ તેઓને પ્રોત્સાહિત કરવા સ્ટોર્સ દ્વારા આ પ્રકારે ખરીદીમાં વળતર આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
રાજકોટ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઓછા મતદાનવાળા વિસ્તારોમાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ તથા રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ટી.આઈ.પી. અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની સૂચના મુજબ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા દસ વિધાનસભા મત વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા ડિજિટલથી લઈને ગ્રાઉન્ડ પરની વિવિધ પ્રવૃત્તિઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દસેય વિધાનસભા મત વિસ્તારમાં આ પ્રવૃત્તિઓનું સઘન અમલીકરણ થાય તે માટે સંલગ્ન તમામ પ્રાંત અધિકારી-નાયબ કલેક્ટરઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલા આયોજન મુજબ, 23મી એપ્રિલે વિવિધ દુકાનો, રેસ્ટોરાં, હોટેલ્સ, મેડિકલ સ્ટોર્સ, થિયેટર વગેરે સાથે મિટિંગ યોજીને, મતદાન કરે તે નાગરિકોને સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું છે. આ સાથે મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના અપાશે.
24મી એપ્રિલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મિટિંગ યોજીને, ડિજિટલી મતદાન જાગૃતિ ઝુંબેશ માટે સહયોગ લેવાશે.25મી એપ્રિલે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે લાઈવ સેશન યોજાશે. 26મીએ મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 27મીએ લોકો એકઠા થતા હોય તેવા સ્થળો જેમ કે, મોલ, ફૂડ પોઈન્ટસ, મેદાન, બગીચા વગેરેએ ફ્લેશ મોબ યોજાશે.28મીએ એપ્રિલે ચુનાવ પાઠશાલા અંતર્ગત સ્વચ્છ બૂથ કેમ્પેઈન તથા તમારા મતદાન મથકને જાણો ઝુંબેશ થશે. 29મી તથા 30મી એપ્રિલે જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.
1લીમેના રોજ આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાથે રાખીને મોટાપાયે મહેંદીનો કાર્યક્રમ યોજાશે. 2 મેના રોજ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 3મેના રોજ મહત્વના મોલ્સ, જાહેર માર્ગો પર વિશાળ રંગોળી કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે. 4 મેના રોજ વિવિધ મોલ્સ તેમજ જાહેરસ્થળોએ ફ્લેશ મોબ યોજાશે. પાંચમી મેના રોજ રન ફોર વોટ અંતર્ગત શહેરમાં વિશેષ દોડનું આયોજન કરાશે. 6 મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી, શહેર પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં ચૂંટણીની તૈયારીઓની માહિતી સાથે અચૂક મતદાનની અપીલ કરાશે.