આગામી શૈક્ષણિક વર્ષથી ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
2036ના ઓલિમ્પિકના આયોજનને લઇને અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓલિમ્પિક દરમિયાન ફોરેન લેંગ્વેજ એક્સપર્ટની જરૂર મોટી સંખ્યામાં પડવાની છે. જેને લઇને આગામી શૈક્ષણિક વર્ષથી એક અલાયદો ફોરેન લેંગવેજ ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવશે. જેમાં 7 જેટલી વિદેશી ભાષાના કોર્સ શરૂ કરાશે.આ સાથે ગુજરાત યુનિવર્સિટી સંભવત: દેશની એવી પ્રથમ યુનિવર્સિટી બનશે જેમાં 7 વિદેશી ભાષાના કોર્સ શરૂ કરાશે.
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી સ્ટડી એબ્રોડ ડિપાર્ટમેન્ટ ચાલુ છે અને તેમાં અગાઉ ફોરેન લેંગવેજ કોર્સ ભણાવવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરીથી આ કોર્સ શરૂ કરવામાં આવનારો છે. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસેથી દરખાસ્ત મગાવવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીએ દરખાસ્ત તૈયાર કરીને સરાકરને મોકલી આપી હતી. સરકાર તરફથી એ દરખાસ્તને મંજૂરી આપવામાં આવ્યા બાદ યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષથી આ કોર્સનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ડિગ્રી અને ડિપ્લોમા લેવલના કોર્સ શરૂ થશે. એકસાથે 7 ભાષાના કોર્સ શરુ કરનાર ગુજરાત યુનિવર્સિટી સંભવત: દેશની પ્રથમ યુનિવર્સિટી હશે.
યુજીસી માન્ય કોર્સમાં યુજીસીના નિયમો અનુસાર લાયકાત ધરાવતા સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ ડિપાર્ટમેન્ટમાં જાપાનીઝ, સ્પેનિસ, જર્મની, ફ્રેન્ચ, ચાઇનિઝ, એરેબિક અને રશિયન સહિત સાત વિદેશી ભાષા વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. આ ડિપાર્ટમેન્ટ થકી ફોરેન લેંગવેજના પ્રોફેશનલ્સ તથા એક્સપર્ટ તૈયાર કરવામાં આવશે. જે આગામી 2036ના ઓલિમ્પિકમાં વિદેશી ખેલાડીઓ માટે પ્રોફેશનલ-એક્સપર્ટ તરીકેની ભૂમિકા નિભાવી શકશે.