સંકટની ઘડીમાં સંજીવની : રાજકોટ જિલ્લામાં 108 સેવાની 2025ની સિદ્ધિ
20,680 પ્રેગ્નન્સી ઇમરજન્સી, 9,502 વાહન અકસ્માત, 6,072 હૃદયરોગ અને 6,347 શ્ર્વાસની તકલીફના કેસોમાં સમયસર સેવા આપી જીવ બચાવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યમાં જ્યારે પણ કોઈ આપત્તિ કે તાત્કાલીન પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે સામાન્ય નાગરિકના મનમાં સૌપ્રથમ જે નામ આવે છે તે છે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ. આજે 108 માત્ર એક ફોન નંબર નહીં, પરંતુ સમય સામેની દોડમાં જીવ બચાવતી સંવેદનશીલ અને વિશ્વસનીય વ્યવસ્થા બની ગઈ છે.
શહેર હોય કે ગામડું, અંતરિયાળ વિસ્તાર હોય કે હાઈવે કોઈપણ સ્થળે તાત્કાલિક મેડિકલ સારવાર પહોંચાડવાની ક્ષમતા 108 સેવાની વિશેષતા છે. આધુનિક તબીબી સાધનોથી સજ્જ એમ્બ્યુલન્સ, પ્રશિક્ષિત ઊખઝ અને અનુભવી પાયલોટ સ્ટાફની સંકલિત ટીમ સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે, જેના કારણે હજારો પરિવારોને નવી આશા મળી છે.
વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નોંધપાત્ર કામગીરી કરી છે. જિલ્લામાં કુલ 68 એમ્બ્યુલન્સ કાર્યરત રહી, જેના માધ્યમથી 82,036થી વધુ ઇમરજન્સી કેસોમાં તાત્કાલિક સારવાર અને સહાય પૂરી પાડવામાં આવી. આંકડાઓ દર્શાવે છે કે 20,680 પ્રેગ્નન્સી ઇમરજન્સી, 9,502 વાહન અકસ્માત, 6,072 હૃદયરોગ તથા 6,347 શ્વાસની તકલીફના કેસોમાં સમયસર સેવા આપી અમૂલ્ય જીવ બચાવ્યા. જીવન બચાવની સાચી ઓળખ તો ત્યારે થાય છે જ્યારે જોખમી પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવાય. વર્ષ 2025માં રાજકોટ જિલ્લામાં 11,936 લોકોને જીવન જોખમમાંથી બહાર કાઢવામાં 108 સેવા સફળ રહી. ઉપરાંત 803 પ્રસૂતિ કેસોમાં ઊખઝ સ્ટાફ દ્વારા સ્થળ પર અથવા માર્ગમાં ડિલિવરી સહાય આપવામાં આવી, જે ટીમની કુશળતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સમગ્ર સેવાકીય કામગીરી રાજકોટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર જયેશભાઈ કારેનાના માર્ગદર્શન હેઠળ અસરકારક રીતે સંચાલિત થઈ રહી છે. સાથે ઊખઊ ભીમસિંગ કિરાડ, કિરણ પરમાર અને યોગેશ જાનીની સક્રિય દેખરેખ તેમજ ઊખઝ અને પાયલોટ સ્ટાફની અવિરત મહેનતથી 108 સેવા વધુ મજબૂત બની છે. આજે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ ગુજરાતના આરોગ્ય તંત્રનો અવિભાજ્ય ભાગ બની ચૂકી છે. આપત્તિ કે દુર્ઘટનાની ઘડીમાં 108 માત્ર સેવા નહીં, પરંતુ જનવિશ્વાસનું પ્રતીક બની રહી છે અને આવનારા સમયમાં પણ અનગણિત જીવ બચાવતી રહેશે, તેમાં કોઈ શંકા નથી.



