નવા તથા અગાઉ ભળેલા ગામ વિસ્તારમાં પીવાના પાણીની DI પાઇપ લાઇનો, મેટલીંગ કામો અને પેવર કામ માટે રૂ.24.32 કરોડના ખર્ચ મંજૂર
રેસકોર્સનો ટેનિસ કોર્ટ ભાડે આપીને મનપાને 5.55 લાખની આવક ઉભી કરશે, આરોગ્ય કેન્દ્રમાં નવા સાધનો માટે 2 કરોડ મંજૂર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કુલ 66 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. તાજેતરમાં નવા ભળેલા અને અગાઉ ભેળવેલા ગામ વિસ્તારમાં પીવાના પાણીની ડીઆઇ પાઇપલાઇનો, મેટલીંગ કામો અને પેવર કામ માટે રૂ.24.32 કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે રેસકોર્સના રીંગ રોડને રિ કાર્પેટ કરાશે. જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક અને ત્યાંથી બિગબાઈટ સુધીના રોડ ઉપર પોલીમર્સ કેમિકલનો રોડ બનાવવામાં આવશે અને તેમાં જો સફળતા મળશે તો પૂરા રાજકોટ આ પ્રકારમાં રોડ તૈયાર કરાશે.
શહેરમાં રખડતા ભટકતા ઢોર પકડવાની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારાની ગ્રાન્ટ માંગવામાં આવી છે. અગાઉ સરકારે આપેલી ગ્રાન્ટ વપરાઇ જતા નવી 8 કરોડની ગ્રાન્ટ માટે માંગણી કરવામાં આવી છે. વોર્ડ નં-17માં કોઠારીયા મેઈન રોડ પર આવેલા હુડકો આરોગ્ય કેન્દ્રને રિ ડેવલપ કરવા માટે 2.28 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની પ્રાથમિક તપાસ તથા નિદાન કરવા માટે આધુનિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ 2 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં તાજેતરમાં ભળેલા મનહરપુર-1, માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેશ્વર ગામનો મનપાએ કબજો લીધા બાદ લોકોને પ્રથમ પાયાની જરૂરિયાત પૂરી પાડવા તૈયારી શરૂ કરવામાં આવી છે. રૈયાધારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આધુનિક બનાવવા તથા નાકરાવાડી સાઈટ ખાતે કચરો માટે વાહનોના કોન્ટ્રાક્ટ અંગે 3.50 કરોડના ખર્ચને બહાલી અપાઈ છે. વોર્ડ નં-18ની જુદી જુદી સોસાયટીમાં ડામર કાર્પેટ કરવા માટે 4.44 કરોડ, શહેરના મુખ્ય માર્ગો પર એલઈડી લાઈટીંગમાં સિસ્ટમ સુધારવા માટે 79 લાખ, વોર્ડ નં-17માં ભૂગર્ભ ગટરની ફરિયાદના નિરાકરણ માટે 14.72 લાખ તથા વોર્ડ નં-18માં કોઠારીયા હુડકો ચોકડીથી કોઠારીયા ગામતળ સુધીના રોડને 6.25 કરોડના ખર્ચેથી
નવો કરાશે.
આરોગ્ય કેન્દ્રોમાં 2.19 કરોડના ખર્ચે મેડિકલ સાધનો ખરીદાયા
શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો માટે કોર્પોરેટરો દ્વારા રૂા. 5.40 લાખના 23 નંગ બાયનોક્યુલર માઇક્રોસ્કોપ, રૂા. 79.46 લાખના 23 નંગ ઓટોમેટેડ સેલ કાઉન્ટર, રૂા. 10.02 લાખના 184 નંગ 50 સ્ટ્રીપ સાથેના હિમોગ્લોબીન મીટર, રૂા. 7.09 લાખના 184 નંગ બ્લડ પ્રેશર રેકોર્ડીંગ યુનિટ તથા રૂા. 28.75 લાખના 23 નંગ મેડીટેક 12 ચેનલ ઇસીજી મશીનની ખરીદી કરાયેલ હતી. ઉપરાંત રૂા. 5.74 લાખના 23 નંગ સીંગલ ડોર રેફ્રીજરેટર, રૂા. 42.81 લાખના 6 નંગ ફુલ્લી ઓટોમેટીક બાયો કેમેસ્ટ્રી એનેલાઇઝર, રૂા. 3.98 લાખના 1 ડીઝીટલ એક્સ-રે મશીન, રૂા. 11.15 લાખના 23 એલસીડી પ્રોજેકટર તથા રૂા. 5.74 લાખના ખર્ચે 23 નંગ પબ્લીક એડ્રેસ સીસ્ટમ વસાવવામાં આવી હતી.