મગફળી 47,940, સોયાબીન 3,254, કપાસ 6,642 અને શાકભાજીનું 2,381 હેક્ટરમાં વાવેતર
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.8
- Advertisement -
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. સારા વાવણીલાયક વરસાદને કારણે જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ધરતીપુત્રો વાવણીમાં ઉત્સાહભેર વ્યસ્ત બન્યા છે.
જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો, જિલ્લાભરમાં મગફળી 47,940 હેક્ટર, સોયાબીન 3,254 હેક્ટર, કપાસ 6,642 હેક્ટર, ઘાસચારો 5,202 અને શાકભાજીનું 2,381 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ કુલ 65,419 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર 1.46 લાખ હેક્ટર આસપાસ રહેતું હતું. હાલમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, ઊના, ગીરગઢડા, કોડીનાર અને સૂત્રાપાડા એમ કુલ 6 તાલુકામાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીદ્વારા જણાવવામાં આવ્યું છે.