ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેનાર પોલીસ તેમજ વહીવટી તંત્રનો સ્ટાફ પોતાની ફરજ માટે મતદાનના દિવસ મતદાન કરી શકે તેમ ન હોય દર વખતની જેમ આ વખતે ગઈકાલે પોલીસ જવાનો માટે પોસ્ટલ પેપરથી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો માટે કુલ 651 પોલીસ કર્મચારીઓએ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.
મોરબી માળીયા બેઠક, વાંકાનેર કુવાડવા બેઠક અને ટંકારા પડધરી એમ મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે અલગ અલગ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
- Advertisement -
જેમાં મોરબી બેઠક માટે એસપી કચેરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જો કે આ મતદાન દરમિયાન ચૂંટણી તટસ્થતાથી અને ન્યાયીક તેમજ ગોપનીયતા જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
પોલિંગ સ્ટાફ દ્વારા દરેક સ્થળે મત કુટિર ઉભી કર્યા બાદ મોરબી બેઠક માટે 400, ટંકારા બેઠક માટે 200 અને વાંકાનેર બેઠક માટે 51 પોલીસ જવાનોએ મતદાન કર્યું હતું.